રાપરના ખાંડેકમાં આઠ વાડીમાંથી 72 હજારના વાયરની તસ્કરી
copy image

રાપર તાલુકાના ખાંડેક ગામમાં 8 ખેતર, વાડીમાંથી તથા ભચાઉ તાલુકાના વાડી વિસ્તારમાંથી રૂા. 72,600ના વાયર તથા એક મોબાઈલની ચોરી તસ્કરોએ કરી હતી. રાપરના ખાંડેક ગામના વાડીવિસ્તારમાં છેક ગત તા. 7/9થી 8/9 દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો જેની ફરિયાદ બપોરના પોલીસ મથકે નોંધાઈ હતી. ગામમાં રહેનાર ફરિયાદી વાઘા માવજી રાવરિયા (લેઉવા પટેલ)ની વાડીએ ગત તા. 7/9ના રાતના અરસામાં તેમનો દીકરો રાજેશ રોકાયેલ હતો. આ યુવાન બીજા દિવસે સવારે જાગતાં તેનો રૂા. 5000નો મોબાઈલ ગુમ જણાયો હતો તથા વાડીમાંથી 70 ફૂટ વાયર ચોરી થયેલાનું બહાર આવ્યું હતું. ફરિયાદીએ તપાસ કરતાં ગામના છગન લીલાધર ખાંડેકાનાં ખેતરમાંથી 250 ફૂટ વાયર, વેલજી અમરશી મઢવીના ખેતરમાંથી 200 ફૂટ વાયર, અંકુર નરભેરામ ખાંડેકાના ખેતરમાંથી 50 ફૂટ, ભચુ રઘુ ખાંડેકાના ખેતરમાંથી 100 ફૂટ, જેઠા ગણેશ રાવરિયાના ખેતરમાંથી 200 ફૂટ, રામા વેલા ખાંડેકાનાં ખેતરમાંથી 20 ફૂટ તથા લખમણ વશરામ પટેલના ખેતરમાંથી 200 ફૂટ વાયર એમ આ આઠ વાડી, ખેતરમાંથી 1060 ફૂટ વાયર તથા એક મોબાઈલ કુલ રૂા. 77,600ની મતાની તસ્કરી કરી તસ્કરો નાસી ગયા હતા. બીજી બાજુ આધોઈ મજાડ વાડીવિસ્તારમાં ગત તા. 14/9થી 15/9 દરમ્યાન બનાવ બન્યો હતો. આ વિસ્તારમાં ગ્રામ પંચાયતના બોરનું કામ ચાલી રહ્યું છે ત્યાં મશીનથી ઓરડી સુધી પથરાયેલ 90 મીટર વાયર તથા પંચાયતના ચાલુ બોરના ઓરડીથી બોર સુધી 25 મીટર એમ કુલ રૂા. 29,000ના વાયર કાપીને તસ્કરો લઈ ગયા હતા. બનાવ અંગે બાબુજી મફાજી ઠાકોરએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચોરીમાં જતી આવી વસ્તુઓ મોટા ભાગે ભંગારના વાડાઓમાં જતી હોય છે. ત્યારે પોલીસ તસ્કરોને જ્યારે પકડે અને મુદ્દામાલ વાડાઓમાંથી મળી આવે તો આવા અમુક ભંગારના વાડાના સંચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની સમયની માંગ છે.