ભચાઉના શિવલખામાં પેટ્રોલપંપના કર્મચારીની માલિક સાથે 6.95 લાખની છેતરપિંડી

copy image

copy image

ભચાઉ તાલુકાના શિવલખા નજીક પેટ્રોલપંપમાં કામ કરતા કામદારે પોતાના અંગત ફાયદા માટે રૂા. 6,95,936 રાખી લઇ ખાતાંમાં જમા ન કરાવતાં તેના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. નખત્રાણાના વડવા કાંયામાં રહેનાર ફરિયાદી દિલીપસિંહ નવલસિંહ જાડેજા રાધનપુર-સામખિયાળી ધોરીમાર્ગ શિવલખા નજીક માજીંસા પેટ્રોલિયમ નામનું પેટ્રોલપંપ ચલાવે છે, જેમાં કેશિયર તરીકે ગઢશીશાના કુલદીપસિંહ ગોવિંદજી જાડેજાને રાખવામાં આવ્યો હતો. આ કેશિયર ગત તા. 11/9ના કોઇને જાણ કર્યા વગર નીકળી ગયો હતો. બાદમાં તે પરત ન આવતાં તેનો સંપર્ક કરાતાં તેનો ફોન બંધ આવ્યો હતો જેથી ફરિયાદીને શંકા જતાં તેમણે તથા તેમના ભાગીદારે હિસાબની તપાસ હાથ ધરી હતી. જેમાં આ ઇસમે પેટ્રોલપંપમાં થયેલ આવકના રૂા. 2,11,060 બેંક ખાતામાં જમા કરાવ્યા નહોતા તેમજ પંપના કાયમી ગ્રાહક અશરભાઇના ખોટા હિસાબ બનાવી  ખોટા બિલોમાં અશરના  માણસ નરપત ગઢવીની ખોટી સહી કરી રૂા. 4,07,572 મેળવી લીધા હતા તેમજ જય જીનમાતા રોડલાઇન્સના પણ ખોટા બિલ બનાવ્યાં હતાં અને બળુભા જાડેજાએ જૂના હિસાબના આપેલા પૈસા પંપના બેંક ખાતામાં જમા કરાવ્યા નહોતા. આ શખ્સ વિરુદ્ધ રૂા. 6,95,936ની ઉચાયત, વિશ્વાસઘાત, છેતરપિંડીની કલમો હેઠળ  પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.