મીઠીરોહરમાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ઈસમ ઝડપાયો

ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક આજવા પાર્કિંગમાં આવેલી દુકાનમાંથી પોલીસે એક બોગસ ડોક્ટરને પકડી પાડયો હતો. આ ઈસમ  પાસેથી મેડિકલને લગતો રૂા. 38,040નો સામાન હસ્તગત  કરાયો હતો. મીઠીરોહર ઓવરબ્રીજ પહેલા સર્વિસ રોડ પાસે આવેલા આજવા પાર્કિંગમાં સાંજના અરસામાં  પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં આવેલી નૂર લખેલી દુકાનમાં એક ઈસમ કોઇ પણ ડિગ્રી વગર લોકોની દવા કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે દુકાન નંબર 6માં છાપો માર્યો હતો. અહીંથી મૂળ આસામ હાલે વરસામેડી અંબાજી નગર-4માં રહેતા લાલચંદઅલી અકબરઅલીને પકડી પાડવામાં આવ્યો હતો. આ ઈસમ  પાસેથી મેડિકલ કાઉન્સિલનું પ્રમાણપત્ર મંગાતા ન હોવાનું જણાવ્યું હતું. લોકોને આ શખ્સ એલોપેથીની દવા ન આપી શકે તેવો અભિપ્રાય સરકારી તબીબે આપ્યો હતો. દરમ્યાન આ દુકાનમાંથી સ્ટેથોસ્કોપ, રકતચાપ માપવાનું મશિન,  થર્મોમીટર, ડીસ્પોવેન સિરીન્જ, જુદી જુદી ગોળીઓ, ઇન્જેકશન, ગરમ પટ્ટા વગેરે મળીને કુલ રૂા. 38,040નો મેડિકલને લગતો સામાન જપ્ત  કરાયો હતો.