ભેંસને ટ્રેઇલરે ટક્કર મારતાં, 1.10 લાખની નુકસાની

ભીરંડિયારા ચેકપોસ્ટ પાસે માર્ગ ઓળંગતી ભેંસને ટ્રેઇલરે ટક્કર મારતાં માથા તથા પીઠના ભાગે ઇજા પહોંચાડી રૂા. 1.10 લાખની નુકસાની કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે ભીરંડિયારાના માલધારી એવા જુમાભાઇ જાનીભાઇ રાયસીએ ખાવડા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ સવારે 5.30 વાગ્યાના અરસામાં ભીરંડિયારા ચેકપોસ્ટની બાજુમાં ભુજના ધોરીમાર્ગ પર તેમની ભેંસો માર્ગ ઓળંગી રહી હતી ત્યારે ટાટા કંપનીના ટ્રેઇલર ચાલકે ટ્રેઇલર પૂરપાટ અને બેદરકારીપૂર્વક ચલાવી ફરિયાદીની એક ભેંસને ટક્કર મારી માથા તથા પીઠમાં ઇજા પહોંચાડી રૂા. 1,10,000ની નુકસાની કર્યાની ફરિયાદ નોંધાવી હતી. અત્રે નોંધનીય છે કે, બન્ની વિસ્તારના આ માર્ગ પર બેફામ દોડતા ભારેખમ વાહનોની હડફેટે ભેંસ આવી જવાના બનાવો અવારનવાર બનતા રહે છે. ત્યારે આવા વાહનો પર અંકુશ લગાવવાની માંગ પણ માંગ ઉઠી રહી છે.