માધાપરમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવ ગુમાવ્યો
આર્મીમાં સિપાહી તરીકે કામ કરતા મૂળ પંચમહાલ જિલ્લાના દીપકભાઈ શંકરભાઈ વણકરના યુવા પત્ની રોશનીબેને માધાપરમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો, ભુજના લશ્કરી મથકમાં સિપાહી તરીકે ફરજ બજાવતા મૂળ પંચમહાલ જિલ્લાના દીપકકુમાર વણકર માધાપરના ગોકુલધામમાં રહે છે. બપોરના અરસામાં તેઓ પોતાની ફરજ બજાવી પરત ઘરે આવતાં તેમના 22 વર્ષીય પત્ની રોશનીબેન ઘરના રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આથી દીપકકુમાર પ્રથમ તેમને આર્મી કેમ્પની મિલિટરી હોસ્પિટલમાં લઈ ગયા બાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. દીપકકુમારે માધાપર પોલીસ સમક્ષ આ અંગે વિગતો જાહેર કરતાં લખાવ્યું હતું કે, કોઈ અગમ્ય કારણોસર તેમની પત્ની રોશનીબેને ફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.