માધાપરમાં મકાનનાં તાળાં તોડી 4.33 લાખની ચોરી

copy image

copy image

માધાપરમાં એક મકાનનાં તાળાં તોડી તેમાંથી એક લાખ રોકડ અને ઘરેણાં સહિત કુલ રૂા. 4,33,000ની ચોરી  થયાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે અશોકકુમાર ચત્રભુજ ભાનુશાલીએ નોંધાવેલ ફરિયાદ મુજબ માધાપર નવાવાસના કોટક નગરની બાજુમાં ન્યૂ પારસનગર ખાતે તેઓ તથા તેના નાના ભાઇ મયૂર રહે છે. તેના નાના ભાઇ મયૂર તેના પરિવાર સાથે તેમની દીકરી જિયાની કિડનીની સારવાર અર્થે સવારના અરસામાં  મકાનને તાળું મારી ગયા હતા. ફરિયાદી અશોકકુમાર સવારના અરસામાં  બંધ મયૂરભાઇના મકાને દીવાબત્તી કરવા જતાં ગેટ-મકાનના દરવાજાનાં તાળાં તૂટેલાં હતાં અને પડોશીઓને જાણ કરતાં ત્યાં આવી પહોંચ્યા હતા. ઘરનો સરસામાન વેરવિખેર હોવાથી અશોકકુમારને ચોરી થયાનો અંદાજ આવી ગયો હતો. અશોકકુમારે ભાઇ મયૂરને ફોન કરતાં તેમણે કબાટ તપાસવા અને તેમાંની રોકડ તથા દાગીના ચેક કરવા જણાવ્યું હતું. આથી ફરિયાદીએ તપાસતાં કબાટમાં રોકડ અને દાગીના નહોતા. અજાણ્યા ચોર ઇસમ રોકડા રૂા. એક લાખની આસપાસ ઉપરાંત સોનાનું મંગળસૂત્ર, એક ચેઈન, પાંચ વીંટી, ચાર જોડી કાનની બુટી, એક જોડી નઝરિયા, ત્રણ ઓમકાર અને ચાંદીના પાંચ જોડી સાંકળા અને એક કંદોરો આમ રૂા. 3,33,000ના ઘરેણાં સહિત કુલ રૂા. 4,33,000ની ચોરી કરી લઇ ગયા હતા. માધાપર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. અત્રે નોંધનીય  છે કે, હજુ વડવા ભોપામાં તસ્કરોએ તરખાટ મચાવી મંદિરોને નિશાન બનાવ્યા હતા. થોડા દિવસો પૂર્વે માંડવીમાં પણ બેથી ચાર મકાન ઉપર તસ્કરો  ત્રાટક્યા હતા. આમ, આવા હરામખોરો બેફામ બનતા હોવાના બનાવો વધી રહ્યા છે ત્યારે કાયદાના રક્ષક પોતાની ધાકને કાયમ રાખવા આવી ચોરીના ભેદ ઉકેલે તે જરૂરી બન્યું છે.