ગાંધીધામમાં પાનની કેબિનમાંથી રોકડા રૂા. 7.50 લાખ ભરેલી થેલી ચોરાઇ  

copy image

copy image

ગાંધીધામમાં આવેલી એક પાનની દુકાનમાંથી રોકડા રૂા. 7.50 લાખ ભરેલી થેલી ગણતરીની મિનિટોમાં ગાયબ થતાં ચકચાર પ્રસરી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ  જૂની કોર્ટ  પાસે મિલન પાન સેન્ટર નામની કેબિનમાં ગત તા. 24/9ના  સવારે નવ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. પાન સેન્ટરના વેપારી જયકિશનભાઈ ખેમચંદભાઈ ભાનુશાલીની નોંધાવેલ ફરિયાદ મુજબ  આ વેપારી પોતાના જ્યુપીટર ટુ વ્હીલરની ડિકીમાં રોકડા રૂા. 7.50 લાખ ભરેલી થેલી લઈને દુકાને આવ્યા હતા, ત્યારબાદ રોકડ ભરેલી થેલી તેમણે પોતાની કેબિનમાં  મૂકી બાજુમાં ફેમસ નાસ્તા હાઉસમાંથી  પાણી ભરવા ગયા હતા. બેથી ત્રણ મિનિટમાં પરત આવીને સફાઈ કામ  શરૂ કર્યું હતું. દરમ્યાન અચાનક  નાણાં ભરેલી થેલી ક્યાંય જોવા મળી ન હતી. ભારે શોધખોળ બાદ પણ ગુમ થયેલી થેલી ન મળતાં મામલો ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે  નોંધાયો હતો. આ અંગે વધુ તપાસ એ.એસ.આઈ. મયૂરધ્વજસિંહ જાડેજા ચલાવી રહ્યા છે. પોલીસે જુદી-જુદી દિશામાં ચક્રો ગતિમાન કરી ચોરીનાં કૃત્યમાં સામેલ આરોપીને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ હાથ ધરી હતી.નોંધપાત્ર છે કે, આ પંચરંગી સંકુલમાં ભૂતકાળના સમયમાં  વાહનોમાંથી અને દુકાનમાંથી  રોકડા ભરેલા થેલા ગાયબ થયા હોવાની ઘટના ઉજાગર થઈ ચૂકી છે.