માધાપરની કિંમતી જમીન મુદ્દે વૃદ્ધા ઉપર પાંચ શખ્સોનો હુમલો
માધાપર નવાવાસમાં ઇન્દ્રવિલા સોસાયટીની બાજુની કિંમતી જમીન મુદ્દે પાંચ શખ્સો વૃદ્ધાને માર મારી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઇ હતી.આ અંગે ઇન્દ્રવિલા પાસેની વાડીમાં રહેતા 63 વર્ષીય લક્ષ્મીબેન ગોવિંદભાઇ પિંડોરિયાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ઇન્દ્રવિલાની બાજુની સર્વે નં. 419 પૈકી 1વાળી જમીન ફરિયાદીના દાદાજી સસરાના નામે હતી જે ફરિયાદી તથા તેમના પતિને વારસામાં મળી હતી. પતિ વચ્ચે મનમેળ ન થતાં પતિ છેલ્લા 10 વર્ષથી અલગ રહે છે અને 2005માં પતિએ આ જમીનનું કરારનામું ફરિયાદીનાં નામે કરી આપ્યું હતું અને ફરિયાદીની જાણ બહાર આ જમીન 2015માં પતિએ મુકેશ ગોવિંદ વેકરિયા (રહે. મિરજાપર)ને વેચી નાખી હતી જેને લઇને કોર્ટ અને કલેક્ટર કચેરીએ ફરિયાદીએ કેસ દાખલ કર્યો હતો. આ કોર્ટનો કેસ રદ થતાં હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તજવીજ ચાલુ છે તે વચ્ચે તા. 28/9ના આરોપી મુકેશ ઉપરાંત હિતેશ રવજી પિંડોરિયા તથા મમલો શિવજી ભરવાડ, રવજી શિવજી ભરવાડ, રમેશ શિવજી ભરવાડ (રહે. ચારેય નવાવાસ-માધાપર) ફરિયાદીના ઘરે જેસીબી અને ટ્રેક્ટર લઇ આવી જમીનમાંથી નીકળી જવા કહેતાં ફરિયાદીએ ના પાડતાં ગાળો આપી આરોપીઓએ ધકબૂશટ અને ધોકાથી માર મારી ઇજા પહોંચાડતાં સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. માધાપર પોલીસે મહાવ્યથા સહિતની વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.