પૂર્વ કચ્છમાં ખનિજ ચોર તત્વોને એક માસમાં ૧ કરોડથી વધુનો દંડ ફટકારાયો

કલેક્ટરની સુચના અનુસાર પૂર્વ કચ્છ ભુસ્તરશાસ્ત્રી એન.એ.પટેલના માર્ગદર્શન હેઠળ પૂર્વ-કચ્છ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ બિન-અધિકૃત ખનન, વહન, સંગ્રહ રોકવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા એક માસમાં રૂ.૧ કરોડ ઉપરાંતનો દંડ ખનિજ માફિયાઓ પાસેથી વસુલવામાં આવ્યો હતો. શનિવારના ખનિજ કચેરી દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવામાં આવતા સાપેડા પાસેથી ૩ વાહનો ડમ્પર બિનઅધિકૃત ખનિજ વહન કરતા પકડવામાં આવ્યું હતું. જેમાં ૧ ડમ્પર સાદી રેતી ખનિજ, ૧ ડમ્પર સિલિકા સેન્ડ, ૧ કન્ટેનર સિલિકા સેન્ડ ખનિજનું બિન- અધિકૃત વહન કરતા ઝડપી પાડવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન રૂ.૧ કરોડથી વધુનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.ખનિજ કચેરીનાં તપાસનીશોએ વાહનો સીઝ કરી નિયમોનુસારની  કાર્યવાહી હાથ ધરી હતી. આ તપાસની કામગીરીમાં ભરતભાઈ પટેલ, રોયલ્ટી ઇન્સ્પેકટર નથુભાઈ ચાવડા, માઇન્સ સુપરવાઇઝર પણ જોડાયા હતા. તદ્ઉપરાંત ચાલુ માસમાં ખનિજના બિનઅધિકૃત ખનન,વહન,સંગ્રહ ના ૨૮ કેસોમાં રૂ.૧ કરોડ ૧૯ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી હતી.