ભરૂચના વેજલપુરમાં વ્યંઢળ સમાજના અખાડામાં કોકીલાબા કુંવર નાયક પોતાના સુરમાં બોલાવી રહ્યા છે ગરબા રમઝટ

ભરૂચ જીલ્લાના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર સ્થિત વ્યંઢળ સમાજનો અખાડો આવેલો છે અને અહીં વસતા વ્યંઢળ સમાજના લોકો કોઈ મોટા કલાવૃંદના ગીતોથી કે ડીજેના તાલે ગરબાની રમઝટ નથી બોલાવતા પરંતુ વ્યંઢળ સમાજના લોકો જ પોતે જ પોતાના સૂરમાં ગરબાઓ રજૂ કરી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે જે લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આસપાસના લોકો અહીં ગરબે રમી માતાજીની આરાધના કરી રહ્યા છે.
માં જગદંબાની આરાધનો પર્વ એટલે આસો નવરાત્રી અને આસો નવરાત્રિમાં ગરબાના રંગે રંગાવા યુવા ધન ઉત્સુક હોય છે. ત્યારે ભરૂચ જીલ્લામાં વસતા વ્યંઢળ સમાજના લોકો દ્વારા વર્ષોથી પોતાના અખાડામાં જ માં જગદંબાની સાચી આરાઘના કરવામાં મગ્ન બનતા હોય છે.નવરાત્રી દરમ્યાન વેજલપુર સ્થિત આવેલા અખાડામાં કોઈ કલાવૃંદ નથી પરંતુ અખાડાના મોભી એવા વ્યંઢળ સમાજના કોકીલાબા કુંવર નાયક પોતે જ પોતાના સૂરમાં ગરબાઓની રમઝટ રજૂ કરી રહ્યા છે.કોકીલા કુંવરના સુરીલા અવાજમાં ગરબા રમવાની અનુભૂતિ જ કંઈક અલગ હોવાનો ખેલૈયાઓ અનુભવ પણ કરી રહ્યા છે. જેથી આસપાસના લોકો અહીં નવરાત્રી દરમ્યાન ગરબે ઘુમી માતાજીની આરાધના કરી રહ્યા છે.
વેજલપુર અખાડામાં થતા ગરબામાં માત્ર સમાજના જ લોકો નહીં પરંતુ આજુબાજુના યુવાનો અને યુવતીઓ પણ મન મૂકીને ગરબાનો આનંદ માણતા હોય છે અને મોટા ગરબા આયોજનમાં જે રીતે કલાવૃંદો હોય છે.તેના કરતાં કંઇક અલગ અખાડામાં વ્યંઢળ સમાજના લોકો કલાવૃંદ તરીકે જાતે જ ગરબાની સૂરાવલી રેલાવતા હોય છે અને તેમના સુરીલા અવાજમાં ગરબાની રોનક મોડી રાત સુધી જમાવતા હોય છે.
વેજલપુરના અખાડામાં છેલ્લા ૧૮ વર્ષથી ગરબાનું આયોજન થાય છે અને વ્યંઢળ સમાજે પણ પોતાની ભારતીય સંસ્કૃતિને આજે પણ યથાવત રાખી છે અને પોતાના જ સૂરિલા અવાજમાં ગરબાઓ રજૂ કરી ખેલૈયાઓને ગરબાની રમઝટ પુરી પાડી રહ્યા છે. ત્યારે માત્ર વ્યંઢળ સમાજના જ લોકો નહીં પરંતુ આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈને ગરબાની રોનક જમાવી રહ્યા છે.

કેતન મહેતા, ભરૂચ.