ભુજના લાખોંદ નજીક આવેલ અમૂલ કંપનીના ડેપોમાંથી અમૂલ દેશી ઘીની કુલ 25 પેટીની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ
ભુજના લાખોંદ નજીક આવેલ અમૂલ કંપનીના ડેપોમાંથી દેશી ઘીની ચોરી થતાં પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે ડેપો બ્રાન્ચ મેનેજર ધવલકુમાર ભાટેસરા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગોદામના બેક હોલની ઉપરની દિવાલમાં પ્લાય તૂટેલ હોવાનું ગોદામ મેનેજરને ધ્યાને ચડતા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવતા ગત તા.4 અને 5/12ના રાતે એક શખ્સ બેકહોલ પાછળ આવી લાઈટ બંધ કરી અને સીસીટીવી કેમેરાને નીચો નમાવ્યા બાદ થોડા સમય બાદ ફરી લાઈટ ચાલુ કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સીસીટીવી તપાસતા શંકા જતાં ઓડિટ સ્ટોકની તપાસ કરવામાં આવી હતી જેમાં અમૂલ દેશી ઘીની કુલ 25 પેટી જેની કિં.રૂ.1,98,420ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પદ્ધર પોલીસે ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફુટેજ મેળવી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.