કચ્છ જિલ્લાના શહેરો તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ ઝુંબેશ

“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારો સાથે માંડવી, ભચાઉ, નખત્રાણા, ભુજ, રાપર, અંજાર, ગાંધીધામ વગેરે નગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રિ સફાઇની નિયમિત કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ શહેરમાં શેરી નાટકના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશો તથા લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

        સ્વચ્છતા માટે જનજાગૃતિ કેળવાય તે માટે રચનાત્મક કાર્યો દ્વારા જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  જે અંતર્ગત નખત્રાણામાં જાહેરસ્થળોએ શેરી નાટકના માધ્યમથી કલાકારોએ નાગરિકોને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાવા સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો. આ ઉપરાંત કચ્છના માંડવી, ભચાઉ, નખત્રાણા, વગેરે નગરપાલિકા દ્વારા શહેરના જાહેરચોક, રસ્તા તથા ઉકરડાના પોઇન્ટની સઘન સફાઇ કરાઇ હતી. જેમાં નિયમિત રાત્રિ સફાઇ સાથે દિવસ સફાઇની કામગીરી અવિરત ચાલી રહી છે. આ સાથે અંજાર તાલુકા શિક્ષણ સમાજ દ્વારા તોરલ સરોવરની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સફાઇ ઝુંબેશમાં ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા, નગરપાલિકા પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણી, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી વિનોદભાઈ,  શિક્ષક સમાજના શિક્ષક આગેવાનો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ઝુંબેશ સ્વરૂપે સ્વચ્છતાલક્ષી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે.–