માંડવી ખાતે આવેલ ધુણઈમાથી ખનીજચોરી કરતાં ત્રણ ડમ્પર કબ્જે કરાયા
માંડવી ખાતે આવેલ ધુણઈના સિંચાઈ ડેમ પાસે બંધ ભેડિયા નજીક ગેરકાયદેસર રીતે કરવામાં આવતા બ્લેકટ્રેપના ખનન પર એલસીબી ત્રાટકીને આ ખનિજચોરીમાં ખનિજ ભરેલા ત્રણ ડમ્પર-લોડર સહિતનાં વાહન હસ્તગત કર્યા હતા. કચ્છનું પેટાળ ખનિજ સંપદાથી ભરપૂર છે જે સર્વવિદિત છે. આ ખનિજને ઉસેડવાની ગેરકાયદે પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલતી આવે છે. હાલના સમયમાં પર્યાવરણ મંજૂરી અર્થે ચાલતા વિવાદને લઈને કચ્છના બ્લેકટ્રેપ એસોસીએશન હડતાળ પર હોવાથી અંદાજે 250 જેટલા ભેડિયા બંધ હોવાથી દૈનિક 500 ટ્રકનું ઉત્પાદન ઠપ છે જેના પરીણામે રસ્તા અને બાંધકામનાં કામો પર વિપરીત અસર પડી છે, પરંતુ ખનિજચોરી તો અવિરત જ છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ધુણઈ બાજુ સિંચાઈ ડેમ પાસે આવેલા બંધ ભેડિયા નજીક ગેરકાયદે રીતે ખનિજચોરી ચાલુ છે. મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. બાતમી વાળા સ્થળ પર ત્રણ ડમ્પર પૈકી એક ડમ્પરમાં આશરે 11 ટન જેટલું બ્લેકટ્રેપ ભરેલું હતું. લોડરના ચાલક પાસે આ બ્લેકટ્રેપ (ખનિજ) ભરવા અંગેના પાસ- પરવાના કે રોયલ્ટી માગતા તે રજૂ કરી શક્યો ન હતો.આથી એલસીબીની ટીમે ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ (ખનિજ) ભરતાં ત્રણ ડમ્પર ખાણ ખનિજ ધારા કલમ 34 મુજબ ડિટેઈન કાર્યા હતા. જાણવા મળી રહ્યું છે આ મામલે આગળની કાર્યવાહી કરવા માટે આ ડમ્પર કોડાય પોલીસને સોંપવામાં આવ્યા છે