ભરૂચની કલરવ શાળાના બાળકોએ 3 હજાર દીવડાઓનું નિર્માણ કર્યું, લોકોને ખરીદી કરવા અપીલ કરવામાં આવી

ભરૂચમાં દિવ્યાંગ બાળકોને પગભર કરતી કલરવ ચેરીટેબલ ટ્રસ્ટના બાળકોને દિવાળી પર્વ નિમિત્તે પોતાના હાથે અવનવા દીવડાઓ કલર કરીને સુશોભિત કરી વેચાણ કરી રહ્યા છે.આ વેચાણમાંથી જેટલી આવક થાય છે તેમાંથી મૂડી કાઢીને બીજા રૂપિયાના ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે.
દિવાળીના પર્વમાં આખું ભરૂચ શહેર અને જિલ્લો દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠશે. ભરૂચમાં શારીરીક અને માનસિક રીતે વિકલાંગ બાળકો માટેની શાળા કલરવના મનોદિવ્યાંગ બાળકો પણ દીવડાઓના વેચાણ થકી આવક મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે. 70થી વધુ દિવ્યાંગ બાળકોએ 3 હજારથી વધુ દીવડા સુશોભિત કર્યા છે.જેનું વેચાણ કરી તેના થકી થયેલી આવકમાંથી બાળકોને મીઠાઈ તેમજ ફટાકડાનું વિતરણ કરવામાં આવશે.દર વર્ષની જેમ આ વર્ષે બાળકોના માતાઓ પણ દીવડા બનાવવાના કાર્યમાં જોડાયા હતા જેથી બાળકોને સારી હૂંફ મળી રહે અને વાલીઓ દ્વારા ખાસ આ દીવડાઓ ખરીદવા માટે અપીલ કરવામાં આવી હતી.
કલરવ શાળાના સંચાલક નીલાબેન મોદીએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા આ દિવ્યાંગ બાળકો સમાજમાં પગભર થઈને જાતે જ મહેનત કરીને કમાણી કરતા બન્યા છે.આ વર્ષે પણ આ બાળકોએ 3 હજાર દીવડા સુશોભિત કર્યા છે. દિવાળીના દિવસોમાં ભરૂચની પાનોલી, દહેજ અને ઝઘડિયાની ખાનગી કંપનીઓ તેમજ ભરૂચની સંસ્થાઓ થકી આ દીવડાઓનું વેચાણ કરવામાં આવશે.આ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટોલ પણ ઉભા કરીને દીવડાનાં વેચાણ થકી જે આવક થશે તેના દ્વારા બાળકોને ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરાશે અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.આ દીવડાઓને સુશોભિત કરતાં બાળકો અને તેમના વાલીઓ પણ તેમના બનાવેલા દીવડાઓ ખરીદવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે.