“દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ” સૂત્રને જીવન મંત્ર બનાવનાર વીરપુરના સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતીની ભરૂચ શહેર અને જિલ્લામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી
સંત શ્રી જલારામબાપાનો જન્મ ઈ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ (નવેમ્બર 14, 1799) ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાનના રામના પરમ ભક્ત હતા.
ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ધેર રાજબાઈમાતાની કૂખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામ-નામની લગની લાગી હતી.તેમના પિતા વેપારી હતા, ગામમાં એમની નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તો પડે જ એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂકયો.પણ બાળક જલારામનું ચિત્ત ભણવા-ગણવા કરતાં સાધુ-સંતો તરફ વધારે હતું.તે કોઈ પણ સાધુને જુએ કે તરત તેમનો હાથ પકડી પોતાના ઘરે જમવા માટે તેડી લાવે. આમ નાનપણથી જ તેમનાંમાં ભક્તિનાં બીજ રોપાયા હતાં.
૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં હતાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં જોડાઈ ગયા. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા હતા.
૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા હતા.ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું હતું. ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી હતી.સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ર૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે.
એક દિવસ એક સાધુ તેમને ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની તેમને ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું હતું ત્યારબાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સાથ-સહકાર આપ્યો હતો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં. ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી હતી.વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર જલારામ બાપા દ્વારા ભોજન અપાતું હતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે.
વિક્રમ સંવત 1935 (1879) ના કારતક વદ નોમ, સોમવારે વીરબાઈમાએ દેહ ત્યાગ કર્યો’. ત્યારે જલારામ બાપાએ સાત દિવસ સુધી તે જગ્યામાં અખંડ રામધૂન કરી હતી. જલારામ બાપાને પણ હવે હરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભકતો તેમનાં દર્શન માટે આવતા હતા. જલારામ બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી.જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને જલારામ બાપાએ પોતાના વારસદર તરીકે નીમ્યા હતા. સંવત 1937 (1881) મહા વદ દશમે બુધવારે જલારામ બાપાએ ભજન કરતાં-કરતાં, એકયાશીમા વર્ષે વૈકુંઠવાસ કર્યો હતો.જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કર્યો હતો.મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડયો. બધાને નમસ્કાર કરતો-કરતો એ ભંડારઘરમાં ગયો અને ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યોને ‘અખૂટ! અખૂટ ભંડાર!’ બોલતો-બોલતો એ કયાં ચાલ્યો ગયો તેની કોઈને ખબર પડી નહીં. આજે જલારામ બાપાનો ભંડાર અખૂટ છે. અહીં ભક્તો પાસેથી દાન-દક્ષિણા લેવામાં આવતી નથી. આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જ્યાં કોઈપણ જાતની દાન-દક્ષિણા લેવામાં આવતી નથી.
આજે પણ જલારામ બાપાનું નામ તેમનાં સેવાકાર્યોને લીધે દેશ-વિદેશમાં ગૂંજે છે.
“દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ” સૂત્રને જીવન મંત્ર બનાવનાર વીરપુરના સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતીની ભરૂચ શહેર અને જિલ્લામાં આસ્થા અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા અને કસક ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ બાપાના મંદિરે અને સવારના ૭ કલાકે શ્રી જલારામ બાપાની દૈનિક આરતી કરવામાં આવી હતી.ત્યારબાદ ૯ કલાકે જલારામ બાપાની પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ત્યારબાદ ૧૦ કલાકે વિશેષ મહાઆરતી ઉતારવામાં આવી હતી.ત્યારબાદ ૧૧ કલાકે ભક્તોને મહાપ્રસાદી આપવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક-ભકતોએ હાજર રહીને શ્રી જલારામ બાપાનું પૂજન, અર્ચન, દર્શન, આરતી અને મહાપ્રસાદીનો લાભ લઈને પોતાનો જન્મારો સફળ કર્યો હતો.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ