લખપત ખાતે આવેલ આશાપરમાં પ્રાણ ઘાતક હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે લખપત ખાતે આવેલ આશાપરમાં લખપત તાલુકા ભાજપ પ્રમુખ અને સામાજિક અગ્રણી એવા વેસલજી મોડજી તુંવર પર પ્રાણ ઘાતક હુમલો થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વેસલજી મોડજી તુંવર દ્વારા દયાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીએ બે વર્ષ પૂર્વે આશાપર ગામમાં શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે જાહેરાત કરી હતી કે, મંદિરના પૂજારીના રહેવા માટે મકાન તે સ્વખર્ચે બનાવી આપશે. આ મકાનના ખાતમુહૂર્તમાં ફરિયાદી પહોંચ્યા તે સમયે મજૂરો સાથે માથાકૂટ થતી હોવાના સમાચાર મળતાં ત્યાં આરોપી શખ્સે કહેલ કે, પૂજારીનાં મકાનના પાયા મને પૂછ્યા વિના કે જાણ કર્યા વિના શા માટે ખોદો છો જે બાબતે ઝઘડો કરી ફરિયાદીને ધક્કો મારી જમીન પર પટકાવીને તેના માથા પર ધારદાર પથ્થર ફટકારી જાન લેવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, દયાપર પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી અને આરોપીને રાઉન્ડઅપ કરી લીધો હતો, ત્યારે તે પીધેલી હાલતમાં હોવાથી અલગથી ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.