નખત્રાણા ખાતે આવેલ પાનેલી વાડી વિસ્તારની છ વાડીમાંથી એક સાથે કેબલની ચોરી થતાં ચકચાર
નખત્રાણા ખાતે આવેલ પાનેલી વાડી વિસ્તારની છ વાડીમાંથી તા. 10-11 સાંજથી બીજા દિવસની સવાર સુધી વાયરની સામૂહિક ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ સમગ્ર ચોરીના મામલે પાનેલીના ખેડૂત ઉપેન્દ્રસિંહ નરપતસિંહ જાડેજા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર પાનેલીના ખેડૂત ઉપેન્દ્રસિંહ નરપતસિંહ જાડેજાની વાડીમાંથી બોરનો કેબલ આશરે 150 ફૂટ ઉપરાંત તેમની વાડીની બાજુમાં કિશોરભાઇ વાળંદની વાડીમાંથી 100 ફુટ વાયર અને જીતેન્દ્રસિંહની વાડીમાંથી 50 ફુટ કેબલ અને તેની નજીકમાં હેમુભા જાડેજાની વાડીમાંથી 90 ફુટ કેબલ તથા રવિરાજસિંહની વાડીમાંથી આશરે 40 ફુટ વાયર તેમજ હરિભાઇ પટેલની વાડીમાંથી 30 ફુટ કેબલ એમ કુલ કિ. રૂા. 25,020ના 460 ફૂટ કેબલની ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ હાથ ધરી છે.