મોટી રાયણમાં સાઈકલથી દૂધ ભરાવા ગયેલા પ્રૌઢને લોડિંગ ગાડીએ હડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત
માંડવી ખાતે આવેલ મોટી રાયણમાં સાઈકલથી દૂધ ભરાવા ગયેલા પ્રૌઢને લોડિંગ ગાડીએ ટક્કર મારતાં બનાવ સ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોટી રાયણ ખાતે રહેતા ઉમરભાઇ સવારના સમયે સાઈકલથી દૂધ ભરાવવા ડેરી તથા હોટેલ ગયા હતા. તે દરમ્યાન જૈન સંચાલિત સાર્વજનિક દવાખાનાં આગળ સામેથી પૂરપાટ આવતી સુપર કેરી લોડિંગ ગાડીએ ટક્કર મારી અડફેટે લેતાં તેમનું માથું ફાટી ગયું હતું અને ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ પ્રૌઢને સારવાર અર્થે માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે લોડિંગ ગાડીચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.