અંજાર ખાતે આવેલ નાગલપરમાં રહેનાર આધેડે ઓનલાઈન શેરબજારમાં પૈસાનું રોકાણ કરવા જતાં 17 લાખ ગુમાવ્યા
અંજાર ખાતે આવેલ નાગલપરમાં રહેનાર આધેડે ઓનલાઈન શેરબજારમાં પૈસાનું રોકાણ કરવા જતાં 17 લાખ ગુમાવ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના મોટી નાગલપરમાં રહેતા મહોમદ હુસેન શાબાનઅલી નાથાણી નામના આધેડે ગત તા. 26/9ના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ જોતાં એમાં કોરોલેન વેન્ટવર્થ આઈડી પરથી શેરબજારમાં પૈસા રોકો અને રોજના 5 થી 15 ટકા નફો કમાવવાની જાહેરાત આવેલ હતી. જેમાં આપેલ લિંક દબાવતાં ફરિયાદી એમએસસી ગ્લોબલ સિક્યોરિટીઝ-5 નામના વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા. જેમાં એડમીન તરીકેના આરોપી શખ્સોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ જુદી-જુદી તારીખે તેમણે તેમાં પૈસા નાખી થોડા દિવસ બાદ પૈસા કઢાવતાં નીકળ્યા હતા, જેથી તેમને વિશ્વાસ બેઠો હતો.વધુમાં જાણવા મળી રહ્યું છે કે, બાદમાં આધેડ ફરિયાદીએ પોતાના તથા પોતાના મિત્રો મહોમદ રફીક ભીમાણી અને ગોપાલ આહીરના ખાતામાંથી પણ આ ઠગબાજોને પૈસા આપી કુલ રૂા. 17,55,000 જમા કરાવેલ હતા. જેમાથી ઠગબાજોએ માત્ર રૂા. 32,500 પરત આપ્યા હતા, જ્યારે અન્ય રૂા. 17,22,500 કરમ પરત માગતાં આ ટોળકીએ 20 ટકા ભરો, તો જ આ રકમ પરત મળસે એવી વાત કરી હતી. બાદમાં ફરિયાદીએ આ ઠગબાજોની એપ્લિકેશન ખોલતાં તે પણ બંધ કરી દેવાઈ હતી. જેથી આધેડે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે.