ગુરુ શબ્દનો મજાક બનાવતી ઘટના સામે આવી : માંડવીના વિઢ ગામે શિક્ષક દ્વારા જ શાળામાં અભ્યાસ કરતા છાત્ર-છાત્રાઓને મોબાઈલ ફોનમાં બતાવવામાં આવ્યા અશ્લીલ ચિત્રો

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે માંડવી તાલુકાના વિઢ ગામે શિક્ષક દ્વારા શાળામાં અભ્યાસ કરતા છાત્ર-છાત્રાઓને મોબાઈલ ફોનમાં અશ્લીલ ચિત્રો બતાવવામાં આવતા ગામના વાલી મંડળ સાથે સરપંચ દ્વારા આ મામલે ગઢશીશા પોલીસ અને તાલુકા શિક્ષણ કચેરીએ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે. ઘટનાના પગલે ઇન્ચાર્જ શિક્ષક શાળાને તાળું મારી ફરાર થઇ ગયો છે.આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી તાલુકાના વિઢ ગામની પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકના પિતાનું નિધન થતા તેઓ રજા પર ગયા હોવાથી નજીકના બાંભળાઈ ગામના શિક્ષક અમુક દિવસથી ફરજ પર હતા. આ ઇન્ચાર્જ શિક્ષક દ્વારા શાળામાં અભ્યાસ કરતા છાત્ર છાત્રાઓને મોબાઈલમાં અશ્લીલ ફોટા બતાવવામાં આવતા હોવાની વાત વિધ્યાર્થીઓના વાલીઓ સુધી પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બાદમાં વિઢ ગામના સરપંચ સહિત સૌ સાથે મળી શાળાની મુલાકાતે જતાં શિક્ષક શાળાને રજાના સમય પહેલા જ તાળું મારી નાસી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે બાળકોના વાલીઓ દ્વારા ગઢશીશા પોલીસમાં લેખિત અરજી આપી શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી માંગ કરવામાં આવેલ છે. ઉપરાંત પ્રાથમિક શિક્ષણ અધિકારીને ટેલીફોનિક ફરિયાદ કરવામાં આવી હતી. પરીણામે ગ્રૂપ આચાર્યની ટીમ સાથે પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ વિઢ ગામની શાળાએ રૂબરૂ મુલાકાતે આવી હતી અને વાલીઓના નિવેદન લીધા હતા. આ મામલે આગળની વધુ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.