અંજાર પોલીસે ભીમાસર નજીકથી 95 હજારનો ચોરાઉ તેલનો જથ્થો ઝડપ્યો : આરોપી ફરાર
અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભીમાસરનો સુમિત નારાણ ડાંગર, અંજારનો જિગર નટુ ઠક્કર, મારીંગણાનો સાકરો મેરા રબારી તથા મોડવદરનો હરભમ હીરા રબારી નામના શખ્સો બોલેરો ગાડીમાં ચોરાઉ તેલ લઈ ભીમાસરથી ટપ્પર બાજુ જતા માર્ગ પરથી જવાના છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી વાળી બોલેરો ગાડી આવતા પોલીસે તેને અટકાવતાં ચાલકે પોતાનું વાહન હંકારી દીધું હતું. પોલીસે તેનો પીછો કરતાં આ વાહન આગળ જઇ તેમાંથી આ શખ્સો ઊતરીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસે આ વાહનની તપાસ હાથ ધરતા તેમાંથી 35 લિટરના 16 તથા 20 લિટરની ક્ષમતાવાળા સાત કેરબામાં સી.પી.ઓ. તેલ અને 20 લિટરની ક્ષમતાવાળા 15 કેરબામાં સોયાબીન એમ કુલ 1000 લિટર તેલ કિંમત રૂા. 95,000નો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી નાસી છૂટેલ આરોપી શખ્સોને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.