મોરબી-રાજકોટ રોડ પર ચાલકે કાબુ ગુમાવતાં થાર ગાડી પલટી : ચાલકનું મોત
પ્રતિષ્ઠા વાળી વસ્તુઓ ધારણ કરી સીનસપાટા કરવાના શોખ અમુક સમયે યુવાનો પાસેથી ખૂબ મોંધી કિમત વસુલતા હોય છે તેવો જ એક કિસ્સો મોરબીમાં બન્યો છે જેમાં પુરપાટ આવતી થાર ગાડીના ચાલકે કાબુ ગુમાવતાં જીવ ખોવાનો વારો આવ્યો છે. આ ઘટના મોરબી રાજકોટ રોડ પર બની હતી જ્યાં થાર ગાડી પલટી જતાં ચાલકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી ખાતે આવેલ શનાળા ગામ નજીક આવેલ સી એન જી પંપ સામે પુરપાટ આવતી આ થાર ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી પલટી મારી જતા ગાડીના ચાલક સહિત ત્રણને ઇજા પહોંચી હતી. જાણવા મળી રહ્યું છે કે આ ત્રણેય શખ્સોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન ગાડીના ચાલકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.