તડીપાર થયેલ આરોપી આદેશનું ઉલ્લંઘન કરી કચ્છમાં પ્રવેશ્યો : પોલીસે 12 અંગ્રેજી દારૂની બોટલ સાથે શિકારપુર નજીકથી દબોચ્યો
ભચાઉ તાલુકાના શિકારપુર નજીકથી 12 અંગ્રેજી દારૂની બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ ખાતે આવેલ શિકારપુર થી નવાગામ માર્ગે કોઈ શખ્સ અંગ્રેજી દારૂની બોટલ સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી 12 અંગ્રેજી દારૂની બોટલ કબ્જે કરી હતી. ઉપરાંત સબ ડિવિઝનલ ભચાઉ કોર્ટ દ્વારા ગત તા. 1/5/2024ના હુકમની બજવણી થયા તારીખથી એક વર્ષ અને છ મહિના સુધી આરોપીને કચ્છ તેમજ બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં હદપારીમાંથી તડીપાર કરી દેવામાં આવેલ હતો. જિલ્લામાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના પ્રવેશ ન કરવા જણાવવામાં આવેલ હતું. જે આદેશનું ઉલ્લંઘન કરી આ આરોપી કચ્છના શિકારપુર ગામની સીમમાં પ્રવેશ્યો હતો. પોલીસે આ શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.