ગાંધીનગરમાં ગેરકાયદે સાદીરેતી ભરી જતાં કુલ 6 વાહનો તથા એક હિટાચી મશીન કરાયા કબ્જે
ગાંધીનગરમાં ગેરકાયદે સાદીરેતી ભરી જતાં કુલ 6 વાહનો તથા એક હિટાચી મશીન સહિત કુલ 2.20 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ અંગે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ગાંધીનગર જિલ્લામાં થતી ખનિજ ચોરીને અટકાવવા જિલ્લા મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીયટીમને કલેક્ટર મેહુલ દવેએ 24 કલાક એલર્ટ રહેવા કડક સૂચના આપવામાં આવેલ છે. જે અનુસંધાને ભુસ્તર તંત્ર દ્વારા જિલ્લાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા ડમ્બર સહિતના વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. માણસાના દેલવાડ ખાતેથી પસાર થતા ડમ્પરમાં રોયલ્ટી પાસ વગર સાદીરેતી ભરેલી જણાતા આ ડમ્પરને કબ્જે કરાયું હતું. ઉપરાંત ગાંધીનગરના પ્રાંતીયાથી પસાર થતું સાદીરેતી ભરેલા ડમ્પરમાંથી રોયલ્ટી પાસ વગરનો જથ્થો મળી આવતા ડમ્પર કબ્જે કરવામાં આવેલ હતું. તેમજ માહિતી મળી રહી છે કે વધુમાં રોયલ્ટી પાસ વગર સાદીરેતી ઓવરલોડ ભરેલ અંબાપુરથી પસાર ડમ્પરને કબ્જે કરવામાં આવેલ હતું. વધુમાં ગત તા.1 ડિસેમ્બરે લાકરોડા ખાતે સાબરમતી નદી પટ્ટ વિસ્તારમાં તંત્રએ દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન હિટાચી મશીન કબ્જે કરાયું હતું. આ અંગે સૂત્રો જણાવી રહ્યા છે કે તંત્રએ કુલ 6 વાહનો તથા એક હિટાચી મશીન સહિત કુલ 2.20 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.