વાયોરની માધ્યમિક શાળામાં ચારની જરૂર સામે એક શિક્ષક : તે પણ બદલી કરાવવાની તજવીજમાં?
નલિયા ખાતે આવેલ ગરડા પંથકમાં વાયોર ગામમાં આવેલ ઉચ્ચ માધ્યમિક શાળામાં 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ વાયોર તથા આજુબાજુ ગામડાંના 50 વિધ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. સૂત્રો જણાવી રહ્યા છે કે આ ઉચ્ચતર શાળામાં ચારના મહેકમ સામે ફક્ત એક જ શિક્ષકના ભરોસે શાળા ચાલી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓનાં ભણતર પર સીધી અસર જોવા મળી રહી છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઉચ્ચ માધ્યમિક શાળાની સ્થાપના 2009માં થઈ છે. અહીં ચાર શિક્ષકના મહેકમ સામે એક શિક્ષક ફરજ પર છે અને એ પણ બદલી કરાવવાની તજવીજમાં હોવાનું જણાઈ રહ્યું છે. જો આ શિક્ષકની બદલી થાય તો આ શાળાને તાળાં લાગવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આ શાળામાં લોકલ સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.