વંચિત સમાજના બાળકોને વિદેશ અભ્યાસ માટે લોન સહાય આપી વિદ્યાર્થીઓના સપનાને ઉંચી ઉડાન આપતી રાજ્ય સરકાર

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ભુજ ટાઉનહોલ ખાતે કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને  લોન/સહાય વિતરણનો “ વંચિતો વિકાસની વાટે “કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રીએ ૧૨ જિલ્લાના ૧૮૪૦ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ રૂ. ૩૪૩૫. ૭૨ લાખની લોન/સહાયનું વિતરણ કર્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા ભુજ ખાતે આયોજિત કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશ્વફલક પર ગુંજતું નામ છે. તેમણે ભારતને બંધારણની ભેટ આપીને દેશની મોટી સેવા કરી છે. બાબાસાહેબે વંચિતો, શોષિતો, પીડિતોના ઉદ્ધાર તથા તેમની પ્રગતિ માટે સંપૂર્ણ જીવન ખર્ચી નાખ્યું હતું. ત્યારે આ જ રાહ પર દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ચાલી રહ્યા છે. વંચિતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.

 આ‌ યોજનાઓનો લાભ ઘર ઘર પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે.  વધુમાં મંત્રીશ્રીએ શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, શિક્ષણ સિંહણના દૂધ જેવું છે જે ગ્રહણ કરે તે ગર્જના કરે જ. ડૉ. બાબાસાહેબે પણ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું હતું ત્યારે વર્તમાન સમયમાં વંચિતોના બાળકો ઉચ્ચશિક્ષણ તેમજ  વિદેશ અભ્યાસ કરી શકે તે માટે સરકાર મદદરૂપ બની રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૨૩-૨૦૨૪માં રેકોર્ડબ્રેક ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ સરકારની આર્થિક મદદથી વિદેશ અભ્યાસ માટે પહોંચ્યા છે.

મંત્રીશ્રીએ ડૉ. બાબાસાહેબને જ્ઞાનનો ભંડાર ગણાવતા તેમના વિદ્યાર્થીકાળના પ્રેરણાત્મક કિસ્સા જણાવવા સાથે તેમની વિવિધ ભાષાના જ્ઞાતા ગણાવી તેમને શ્રેષ્ઠ વિદ્યાર્થી ગણાવ્યા હતા. મંત્રીશ્રીએ તમામ નાગરિકોને બંધારણનું સન્માન કરીને તેમણે ચીંધેલા આદર્શોના માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે લાભાર્થીઓને યોજનાકીય લાભ અંગે અન્ય જરૂરિયાતમંદો સુધી પણ તેની માહિતી પહોંચાડવાના અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે રાજ્ય સરકાર વંચિતો અને છેવાડાના લોકોને યોજનાકીય લાભ આપવાના અંતિમ લક્ષ્ય સાથે કાર્યશીલ હોઇ નાગરિકોને મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદ ચાવડાએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાની છણાવટ કરીને ઉપસ્થિતોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે વંચિત સમુદાય માટે કચ્છમાં છાત્રાલયની સુવિધાઓનો ઉલ્લેખ કરીને વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને લોન સહાય આપીને રાજ્ય સરકાર તેમના સપનાઓને ઉંચી ઉડાન આપીને સશક્ત દેશના ભાવિનું ઘડતર કરી રહી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ડૉ.બાબાસાહેબના વિચારોને મૂર્તિમંત કરવા પ્રયત્નશીલ વડાપ્રધાનશ્રીએ બાબાસાહેબ સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ કરીને નાગરિકોને અમૂલ્ય ભેટ આપી છે, આ સાથે સમાજના વંચિત વર્ગને ઉપર લાવવા અનેક યોજના અમલી કરીને તેની જન જન સુધી પહોંચ વધારી છે. 

કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના રાહબરી હેઠળ અનુસૂચિત જાતિની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી રહી છે. સરકારે જન્મથી મરણ સુધીના દરેક તબક્કાની જરૂરિયાત પૂર્ણ કરવા યોજના અમલી કરી છે. ત્યારે તેનો ફાયદો વંચિતોને સીધો મળી રહ્યો છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા ઉમેયું હતું કે, લખપત અને અબડાસા જેવા છેવાડાના તાલુકામાં છાત્રાલયથી લઇને અન્ય તમામ સુવિધા રાજ્ય સરકારે પૂરી પાડી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પછાતવર્ગોના સશક્તિકરણ હેતુ યોજનાઓ અમલી કરી છે ત્યારે નાગરિકો પણ જાગૃત બની તેનો લાભ લે જરૂરી છે.

કાર્યક્રમના પ્રારંભે બંધારણના આમુખના વાંચન સાથે મહાનુભાવોનું બંધારણના પુસ્તકથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે કેબીનેટ મંત્રીશ્રીના હસ્તે ડો. આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના, નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ હસ્તકની ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ યોજના, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિગમોના ૧૮૪૦ લાભાર્થીઓને રૂ. ૩૪૩૫.૭૨ લાખની સબસીડી/લોન/સહાયનું ઓનલાઇન વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે મહાનુભાવોના હસ્તે વિકાસ સૌરભ વંચિતોના વિકાસ યોજનાકીય સંપુટ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમોના લોન માટેની ૬૬૨ અરજીઓ પૈકીની ૩૦૦ અરજીઓનો ઓનલાઇન ડ્રો મંત્રીશ્રીના હસ્ત યોજાયો હતો. ઉપરાંત કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના ૨૪ લાભાર્થીઓને ચેક તથા સહાયનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, પૂર્વ ધારાસભ્યશ્રી રમેશ મહેશ્વરી, અગ્રણીશ્રીઓ પંચાણ સંજોટ, અશોક હાથી, પ્રમેજી મંગેરીયા, કેશવજી રોશિયા, કિરણ ઘોરી, કિશોર મહેશ્વરી, નારણ ફફલ, પરષોત્તમભાઇ ગોરડીયા, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના સંયુક્ત નિયામકશ્રી આર.બી.ખેર, નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ શ્રી વિનોદ રોહિત તથા મોટી સંખ્યામાં ૧૨ જિલ્લાના લાભાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

જિજ્ઞા વરસાણી