ભુજમાં જમીન મામલે હત્યાના પ્રયાસના પ્રકરણમાં આરોપીને સાત વર્ષની કેદ
ભુજમાં જમીન મામલે ધાકધમકી બાદ કરવામાં આવેલ ફરિયાદનું મનદુ:ખ રાખી હત્યાના ઇરાદે કરવામાં આવેલ હુમલાના કેસમાં કોર્ટે આરોપી શખ્સોને સાત વર્ષની કેદની સજા અને રૂા. 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના સંજયનગરીમાં રહેતા ફરિયાદી અમજદ ઓસમાણ લુહાર પોતાના ઘરે હતો, તે દરમ્યાન તેનો સાઢુભાઈ ઈમરાન ઓસમાણ ચૌહાણ આવ્યો હતો. બંને વાતો કરતા હતા તે સમયે બંને આરોપી શખ્સો છરી સહિતના હથિયારો લઈને ત્યાં આવ્યા હતા. તેમની સાથે બે અજાણ્યા ઈસમ પણ હતા, જે હજુ પણ પોલીસની પકડથી દૂર છે. આરોપીએ ઘરની બાજુમાં આવેલો પ્લોટ ખાલી કરવા જણાવ્યું હતું, જ્યારે સાથે આવેલા સાગરીતોએ મારી નાખવાનું કહેતાં પાઈપ ફટકાર્યો હતો. ફરીથી પાઈપ મારવા જતાં સાઢુભાઈ વચ્ચે પડયો હતો, જેના પર આરોપીએ છરી મારી હુમલો કરી દીધો હતો. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. આ કેસમાં કોર્ટે તમામ દલીલો અને પુરાવાઓ તપાસ્યા બાદ આરોપીને સાત વર્ષની કેદની સજા તેમજ દરેક આરોપીને 10 હજારનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો છે.