કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન સંપન્ન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ પ્રોજેક્ટ નું ભૂમિપૂજન અને વેલસ્પન ગ્રૂપના એક્સેલન્સ એવોર્ડ સમારોહ‌ યોજાયો‌ હતો. ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, આઝાદીના આ અમૃતકાળને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાનો સૌ નાગરિકો કર્તવ્ય કાળ બનાવે.

આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, ૨૫ વર્ષના આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની સૌને તક મળી છે. “યહી સમય હૈ, સહિ સમય હૈ”ના વડાપ્રધાનશ્રીના વિચારોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આઝાદી પછી દેશ માટે જીવી જાણવાનો, ભારતને વિશ્વમાં ઉન્નત રાષ્ટ્ર બનાવવાનો આ સહિ સમય છે.

સૌને સ્વચ્છતા-સફાઈ, પર્યાવરણ જાળવણી, વીજળી બચત, પાણી બચત જેવા સમાજહિત કામોથી રાષ્ટ્ર સેવાનું દાયિત્વ નિભાવવા પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક આહવાન કર્યુ હતું.

વડાપ્રધાનશ્રીના વિઝનથી આજે કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. રણોત્સવને વિશ્વના નકશામાં મુકવાની વડાપ્રધાનશ્રીની નેમને યાદ કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીની દૂરંદેશીતા અને કચ્છ પ્રત્યેની વિશેષ લાગણીના પરિણામે ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યુ છે. ભૂકંપ ગ્રસ્તોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવનને પણ યુનેસ્કો દ્વારા બેસ્ટ ઈન્ટિરિયર કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરીને તેનો શ્રેય દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે ભારતનો તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાનો લાભ દરેક ક્ષેત્રને મળી રહ્યો છે. ગ્રીન એનર્જીની વાત હોય કે પછી સેમી કન્ડક્ટરની વાત હોય ભારત આજે અગ્રેસર બન્યું છે.

કચ્છના ઔદ્યોગિક વિકાસની સરાહના કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રીન ઊર્જાના વિવિધ પ્રકલ્પોથી કચ્છનું ભવિષ્ય ઊજળું છે. મહિલા રોજગારી અને સી.એસ.આર પ્રવૃત્તિ થકી વેલસ્પન ગ્રૂપની પરિવાર ભાવનાને પણ મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી.

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાએ વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં વેલસ્પન ગ્રૂપ મહત્વની ભૂમિકા અદા કરશે તેવો આશાવાદ ઉદ્યોગ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો‌ હતો. ઉદ્યોગમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે,વડાપ્રધાનશ્રીના વિઝન અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અંતર્ગત તૈયાર થયેલી ટેક્ષ્ટાઈલ પોલીસી દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બનશે. ગુજરાત સરકારની ટેક્ષ્ટાઈલ પોલીસીના માધ્યમથી મહિલા રોજગારીને પ્રાધાન્ય આપવાની પહેલને ઉદ્યોગ મંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની એક ક્રાંતિકારી ગણાવી હતી.

આ પ્રસંગે સ્વાગતમાં વેલસ્પન ગ્રૂપના ચેરમેનશ્રી બી.કે.ગોયેન્કાએ મુખ્યમંત્રીશ્રીને આવકાર આપતા જણાવ્યું હતું કે, આજે નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ પ્રોજેક્ટનું જે બીજ રોપ્યું છે તે ભારતીય ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીને વિશ્વના નકશામાં મુકી દેશે. આ નવું સાહસ આગામી ૧૮ મહિનામાં વિશ્વની સૌથી મોટી ટોવેલ ફેસિલિટી બની જશે. વેલસ્પન ગ્રૂપ સહિત કચ્છના સર્વાંગી વિકાસનો શ્રેય શ્રી ગોયેન્કાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત સરકારને આપ્યો હતો. ટેક્ષ્ટાઈલ પોલીસીના માધ્યમથી મહિલા રોજગારીને નવી તકોના અભિગમને તેમણે બિરદાવ્યો હતો. અંજારથી યુ.એસ. સુધીના વિકાસની વેલસ્પન ગ્રુપની સાફલ્યગાથા રજૂ કરીને તેમણે ગુજરાત સરકારના સહયોગની પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વિશિષ્ટ કામગીરી બદલ વેલસ્પન ગ્રૂપની વિવિધ કંપનીઓ અને એક્ઝિક્યુટિવને બેસ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલીટી, ઈમર્જિગ કંપની, ઈમર્જિગ લીડર, બેસ્ટ કંપની, જી.આર.ગોયનકા લીડરશીપ સહિતની કેટેગરીના એકસેલન્સ એવોર્ડ એનાયત કર્યા હતા. અંજાર ખાતે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વેલસ્પન અત્યાધુનિક ટેક્ષ્ટાઈલ પ્લાન્ટની મુલાકાત લઈને ઉત્પાદન પદ્ધતિને નિહાળી હતી.

અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા,‌ અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલભાઈ આચાર્ય અને પૂર્વ રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિર, મુખ્યમંત્રીશ્રીના અધિક સચિવશ્રી એમ.કે.દાસ, બોર્ડર રેન્જ આઇજીશ્રી ચિરાગ કોરડીયા, કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, દીનદયાળ પોર્ટના ચેરમેન શ્રી એસ.કે.સિંઘ, અંજાર મદદનીશ કલેક્ટરશ્રી સુનિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી, વેલસ્પન વર્લ્ડના ગ્રૂપ એમડીશ્રી રાજેશ મન્ડાવેવાલા, વેલસ્પન લિવિંગ લિમિટેડના એમડી અને સીઇઓ સુશ્રી દિપાલી ગોયનકા, વેલસ્પન ગ્રૂપના હેડ શ્રી આલોક મિશ્રા અને વેલસ્પન ગ્રૂપના પ્રતિનિધિશ્રીઓ અને કંપનીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.