માંડવીમાં આવેલ ઓક્સવૂડ સોસાયટીના છ ઘરના તાળાં તૂટતાં ચકચાર
માંડવીમાં આવેલ ઓક્સવૂડ સોસાયટીના છ ઘરના તાળાં તૂટતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, આ મામલે ઓક્સવૂડ સોસાયટીમાં મકાન નં. 124માં રહેતા મૂળ ભુજના વશિષ્ટ જગદીશભાઈ ગોરે માંડવી પોલીસ મથકે નોંધાવેલ અનુસાર મુજબ ગત તા. 6/12ના રાતે ઘર બંધ કરી પરિવાર સાથે ભુજવાળા બીજા ઘરે ગયેલ હતા અને બીજા દિવસે સવારે પાડોશીએ ફોન દ્વારા જણાવેલ કે, તમારા ઘરના તાળાં તૂટેલી હાલતમાં છે. આ અંગે જાણ થતાં તુરંત પરત આવીને જોતાં ઘરમાં સામાન વેર -વિખેર હાલતમાં જોવા મળ્યો હતો. લોખંડના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂા. 48500ની મતા પર હાથ સાફ કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. વધુમાં ફરિયાદીએ આજુ-બાજુ રહેતા લોકોને ચોરીની જાણ કરતાં ફરિયાદીની લાઈનમાં અન્ય પાંચ મકાનોના પણ તાળા તૂટયા હોવાનું સામે આવ્યું હતું, પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.