મુન્દ્રાના વેપારી સાથે 30.27 લાખની ઠગાઈ થતાં ફરિયાદ નોંધાઈ
મુન્દ્રાના વેપારી સાથે 30.27 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 18/11ના આરોપી સાથે ફરિયાદીની બાજુના આસિફભાઇના રેફરન્સથી વેપાર બાબતે સંપર્ક થયો હતો. તેઓ હાઇડ્રોકાર્બન ઓઇલનું ટ્રેડિંગ કરે છે અને હાલમાં તેઓએ મુંદ્રા ખાતે પંજાબ ટર્મિનલમાં હાઇડ્રોકાર્બન ઓઇલ રાખ્યું છે.વધુમાં જાણવા મળી રહ્યું છે કે ફરિયાદી પાસે ઓર્ડર આવ્યો હોવાથી આરોપી પાસેના સેમ્પલ જોયા બાદ ડીલ નક્કી કરી હતી. ટેન્કર લોડિંગ કારવ્યા બાદ વજન કરાવી અને રૂા. 30,27,547.24નું ટેક્સ ઇન્વોઇસ મોકલતાં ફરિયાદીએ સામેવાળી પાર્ટી પાસેથી નાણાં મેળવી આરોપી શખ્સનાં ખાતામાં જમા કરાવી દીધા હતા. પરંતુ આરોપીએ ઇમ્પોર્ટરને ન મોકલતાં ટેન્કર રિલીઝ કરવામાં આવેલ ન હતું. બાદમાં આરોપીને વાત કરતાં મારું ખાતું સીઝ થઈ ગયેલ હોવાથી એક-બે દિવસમાં કરાવી આપું છું, તેવા વાયદાઓ કર્યા હતા. વધુમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર તા. 29/11ના ઇમ્પોર્ટરે પોતાનું ઓઇલ ખાલી કરી દેતાં નાણાં પાછા મેળવવા પ્રયાસ કરતાં આરોપી ફોન ઉપડવાનો બંધ કરી દીધો હતો. ઉપરાંત યોગ્ય જવાબ ન આપતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આરોપી શખ્સ સામે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.