ગાંધીધામ તાલુકાના ગળપાદરના ખેડૂતને ધમકાવી બળજબરીથી ખેતર પડાવી લઈ અન્યને વેંચી દેવાતા ફરિયાદ

ગાંધીધામ તાલુકાના ગળપાદરના ખેડૂતને ધમકાવીને બળજબરીથી દસ્તાવેજ બનાવડાવી લઇ આ જમીન અન્યને વેચી મારતા આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે   ગત  મંગળવારે આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મૂળ અંજાર તાલુકાના ખારા પસવારિયા અને હાલે ગળપાદર રહેતા રામજીભાઇ કાનાભાઇ ડાંગરએ ધંધાર્થે ખાવડા ફાયનાન્સ પેઢીમાંથી નાણાં વ્યાજે લીધાં હતાં અને તેમના વેવાઈની ખારા પસવારિયા સીમમાં આવેલા ખેતરના દસ્તાવેજ ગિરવી મૂક્યા હતા. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, ત્રણ-ચાર મહિના સુધી યુવાને નિયમિત વ્યાજ આપેલ હતું. અને બાદમાં ધંધામાં ખોટ જતાં વ્યાજ ભરી ન શકાતા આરોપીએ 10 ટકા વ્યાજ લેવાનું ચાલુ કરી દીધું હતું. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે, સંચાલકનાં ઘરે આવકવેરા વિભાગે રેઈડ પાડી દસ્તાવેજ કબ્જે કરી લીધા હતા,જેથી પેઢીનો સંચાલક ફરિયાદી અને તેમના વેવાઈને ધાકધમકી આપી ખેતરનો દસ્તાવેજ બનાવી દેવા કહ્યું હતું. પરિણામે રૂપિયા એક કરોડ એક લાખ વીસ હજારમા દેવાનું નક્કી કરવામાં આવેલ અને દસ્તાવેજ બનાવવામાં આવેલ હતા.  આ ખેતર ત્રણ વર્ષમાં રૂપિયા પરત આપે તો યુવાનને પાછું આપવાની વાત કરી અને જમીનનો કબ્જો યુવાને રાખ્યો હતો. ત્યારે આરોપીએ આ ખેતર અન્યને વેચી નાખ્યાની જાણ થતાં ફરિયાદ કરવામાં આવેલ હોવાથી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.