આદિપુરમાં બે આખલાના દ્વંદ્વયુદ્ધમાં વૃદ્ધ હડફેટે આવી જતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગાંધીધામ સંકુલમાં દિન-પ્રતિદિન આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આદિપુરમાં બે આખલાના દ્વંદ્વયુદ્ધમાં વૃદ્ધ હડફેટે આવી જતાં તેઓ ગંભીર રીતે ઘાયલ બન્યા છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત રવિવારે સવારના સમયે આદિપુરના વોર્ડ 4-બીમાં રહેતા કરશનભાઈ પરમાર શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા, તે દરમ્યાન બે આખલા બાખડતા હતા. દરમ્યાન એક ગૌવંશે આ વૃદ્ધને હડફેટે લઈ માર્ગ પર ફંગોળી દેતાં આ વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ વૃદ્ધને સારવાર માટે આદિપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. સૂત્રો જણાવી રહ્યા છે આદિપુરના આ વિસ્તારમાં પાછલા એક મહિનામાં મહિલા સહિત ચાર લોકોને ગૌવંશની હડફેટે નાની-મોટી ઈજાઓ પહોચાડી હોવાના બનાવ બની ચૂક્યા છે. ત્યારે આ મામલે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા લોક માંગ ઉઠી છે.