ભચાઉ ખાતે આવેલ ચોપડવા બ્રિજ પર બેકાબુ ટ્રેઈલર ટેન્કરમાં ટકરાતા જવલનશીલ રસાયણ રોડ પર ઢોળાયું : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
copy image

ભચાઉ ખાતે આવેલ ચોપડવા બ્રિજ પર બેકાબુ ટ્રેઈલર ટેન્કરમાં ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં જ્વલનશીલ રસાયણ રસ્તા ઉપર ઢોળાતા રોડ આગ લાગી હતી. આ આગ પુલ પર અડધા કિ.મી. સુધી ફેલાઈ જતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરના સમયે ભચાઉ-ગાંધીધામ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આગળ વધતું કન્ટેનર ટ્રેઈલર અચાનક બેકાબુ બની પલટી ગયું હતું. ટ્રેઈલર ચાલકે ઓવરટેક કરતા ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરમાં રહેલું જવલનશીલ રસાયણ પેરાપિન રોડ પર ઢોળાયું હતું. સૂત્રો જણાવી રહ્યા છે કે આ ઘટનાના પગલે હાઇવે પેટ્રાલિંગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરાઈ હતી. વધુમાં જણાઈ રહ્યું છે કે, રસાયણ ઢોળાયા બાદ કોઈ પણ કારણોસર તેમાં આગ ભભૂકી ઉઠી હતી. ટૂંક સમયમાં જ આ આગ કાબુમાં લેવાઈ હતી. બાદમાં ટેન્કરને તાત્કાલીક ઘટના સ્થળેથી હટાવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.