ગાંધીધામની બેન્કને 64 કરોડનો ચૂનો લગાવ્યો : સમગ્ર કૌભાંડ સામે આવતા પૂછતાછનો ધમધમાટ શરૂ
ગાંધીધામની બેન્ક સાથે 64 કરોડની છેતરપિંડી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકની ગાંધીધામ બ્રાંચમાં 12 જેટલા બિલ્ડરોએ ખોટા રિપોર્ટ અને બાંધકામના રિપોર્ટના આધારે લોન લઇને રૂપિયા 64 કરોડની છેતરાપિંડી આંચરી હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપીઓએ બાંધકામ માટે મંજૂર થયેલાં નાણાં ધંધાકીય કામમાં લેવાને બદલે અંગત વપરાશમાં લઇને લોનની ચૂકવણી કરેલ ન હતી. જાણવા મળી રહ્યું છે કે આ સમગ્ર મામલે સીઆઇડી ક્રાઇમે છાનબીન શરૂ કરી દીધી છે. આ બાંધકામ કૌભાંડ બહાર આવવાની સંભાવના રહેલ છે. ધી મહેસાણા અર્બન કો- ઓપરેટિવની મહેસાણામાં આવેલી હેડ ઓફિસમાં લીગલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અનિલભાઇ પટેલે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ખાતે આ મામલે ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર બેંકની ગાંધીધામ બ્રાંચમાં આરોપી ઈશમોએ વર્ષ 2016થી વર્ષ 2020 દરમિયાન ભિન્ન ભિન્ન બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે લોન લીધી હતી. બેંક દ્વારા કરાયેલ ઓડિટ રિપોર્ટમાં તેમણે અધૂરા કે નહીંવત બાંધકામ કરીને લોનની રકમનો ઉપયોગ અંગત વપરાશ માટે કરીને કુલ 44.45 કરોડની લોન બેંકને પરત ન કરી હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત આરોપીઓએ અંજાર, ગળપાદર ગામ, અંજારના વરસામેડી ગામમાં જમીન પર સ્કીમ તૈયાર કરવા માટે બિઝનેસ લોન બેંકમાંથી કરાવેલ હતી જેમાં ખોટા વેલ્યૂએશન રિપોર્ટ અને બાંધકામની વિગતો બેન્કમાં રજૂ કરવામાં આવેલ હતી. જેમાં જુદા જુદા કારણ આપી આરોપીઓએ બિઝનેસ લોન લઇને 19.45 કરોડ રૂપિયાની લોન પરત ચૂકવી ન હતી. આ સમગ્ર કૌભાંડ સામે આવતા પૂછતાછનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.