વડોદરા,રાજસ્થાન,પંજાબ,હરિયાણા અને ગુજરાતમાં દારૂનું મોટું નેટવર્ક ધરાવતા વડોદરાના નામચીન બુટલેગર અને વડોદરાના ગેંગસ્ટર મુકેશ હરજાણીના હત્યા કેસમાં વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે વિનોદ ઉર્ફે વિજુ સિન્ધીને રાજસ્થાનની ઉદેપુર પોલીસે એક રિસોર્ટમાંથી છ શખ્સો સાથે દબોચી લીધો છે. મધ્ય ગુજરાતમાં દારૂનો મોટો સપ્લાયર ગણાતો વડોદરાના વારસીયા વિસ્તારનો વિજુ ઉર્ફે વિજય મુરલીધર ઉદવાણી છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન બોર્ડર પર બુટલેગરોની ગેંગ સાથે રાખી દારૂનું મોટેપાયે કટિંગ કરી રહ્યો હોઇ રાજસ્થાન પોલીસની તેના પર નજર હતી. રાજસ્થાનના ઉદેપુર ખાતે કોડિયાત વિસ્તાર પાસે આવેલા અનંતા રિસોર્ટમાં વિજય ઉર્ફે વિનોદ સિંન્ધી તેના સાગરીતો સાથે મીટિંગ કરનાર હોવાની વિગતોને પગલે ઉદેપુર એસએસપી સિધ્ધાંત શર્મા અને એસઓજીના ઇન્સપેક્ટર અબ્દુલ રહેમાન ટીમ સાથે ગોઠવાઇ ગયા હતા. વિજુ તેના શખ્સો સાથે રિસોર્ટના બુક કરેલા રૂમમાં જાય ત્યાંજ ચારેબાજુએથી પોલીસે આખી ગેંગને ઘેરી લેતાં તેઓ બઘવાઇ ગયા હતા.વિજુની સાથે વડોદરાના વારસીયા વિસ્તારનો નામચીન સુનિલ પ્રકાશ કેવલરામાની અને રાજસ્થાનના અન્ય પાંચ શખ્સોને પકડી પાડયા હતા.પોલીસે દારૂના મોટે પાયે સપ્લાય કરવાના નેટવર્ક બદલ તમામને છ દિવસના રીમાન્ડ પર લઇ પૂછપરછ હાથ ધરી છે.