ટેસ્ટ ડ્રાઈવના બહાને એરગનના નાળચે કારની લૂંટ ચલાવનાર પકડાયો પકડાયો

નડિયાદ, આણંદ નજીક એરગન બતાવી કાર  લૂંટનાર ઈસમને  લીંબાસી પોલીસે બામણગામના ખેતરમાંથી પકડી લીધો છે. જેની સધન પૂછપરછ કરતા તેને આણંદમાંથી ટેસ્ટડ્રાઇવના બહાને કાર લઇ હાઇવે પર કારના ડ્રાઇવરને એરગન બતાવી કારની લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું. લીંબાસી પોલીસે આ ઈસમની અટકાયત કરી તેની સધન પૂછપરછ હાથ ધરી છે. મોંઘીદાટ કાર લઈ ભાગતા ઈસમને પોલીસે લીંબાસી નજીકથી પકડી લીધો હતો. આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર ચોરાયાનો વાયરલેસ મેસેજ ખેડા કંટ્રોલ રૃમને મળ્યો હતો. જેમાં એમ પણ જણાવ્યું હતું કે આણંદની સામરખા ચોકડી પર આ કારના ડ્રાઇવરને એરગન બતાવી નીચે ઉતારી એક ઇસમ કાર લઇને નડિયાદ તરફ ભાગ્યો છે. આ બનાવ સામરખા ચોકડી પર આવેલ રાવળાપુરા ઇનોવા શો રૂમ પાસે બન્યો હતો. આથી આ વિસ્તારમાં તરત જ પોલીસ દ્વારા નાકબંધી કરવામાં આવી હતી. આ મેસેજ મળતા પોલીસના માણસો તરત જ વાહન લઇ લીંબાસી માલાવાડા ચોકડી પર જઇ ત્યાં નાકાબંધી કરી હતી. અને બાતમી આધારીત કારની વોચ રાખી બેઠા હતા. પંદરેક મીનીટ બાદ ખેડા-માતર તરફથી પૂરઝડપે આવતી એક સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડીને પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કારના ચાલકે કાર ન રોકીને ભગાવી દીધી હતી. આથી પોલીસે તરત જ કારનો પીછો કર્યો હતો. કારના ચાલકે ચોરેલી કાર પરીયેજ ગામથી બામણગામ તરફના રસ્તા પર ભાગેલો અને ત્યાંથી વાલોત્રી અને ચાંગાડા ગામમાં પ્રવેશ્યો હતો. પરંતુ આ ગલીઓમાં થઇ આગળ બીજો રસ્તો ન મળતા અને કાંટાળી વાડ આવી જતા ચાલકે કારને ત્યાં જ મૂકી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આથી પોલીસે તેનો પીછો કરી તેને પકડી લીધો હતો. પોલીસે ઈસમની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેને તેનું નામ રાજવીર ઉર્ફે મહેશસિંહ દિલીપસિંહ વિહોલા (દરબાર), ઉં. વર્ષ ૩૪, મૂળ રહે. પીલવાઇ, તા. વિજાપુર, જી. મહેસાણા, હાલ રહે. બહુધક, તા.ખંભાત, જી.આણંદ જાણવા મળ્યું હતું. ઉપરાંત તેને એમ પણ જણાવ્યુ હતું કે આ કાર તેને આણંદના સરદાર ગંજમાં આવેલ ગેરેજના માણસો પાસેથી ટેસ્ટ ડ્રાઇવના બહાને આ કાર લીધી હતી અને ગેરેજના માણસો સાથે ટેસ્ટ ડ્રાઇવ કરવા નીકળ્યા હતા. જેઓને નેશનલ હાઇવે નં. ૮ પર આવેલા ટોયેટા શોરૃમ પાસે ગાડી ઉભી રખાવી હતી અને એરગન બતાવી ગાડીની લૂંટ કરી ભાગ્યો હતો. પોલીસે આ ઈસમની અંગજડતી કરતા તેની પાસેથી રોકડ રૂ.૭,૫૦૦, મોબાઇલ અને કાર મળી કુલ ૧૨,૧૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. લીંબાસી પોલીસે આ ઈસમની ધરપકડ કરી તેને વધુ તપાસ સાથે આણંદ પોલીસ સ્ટેશનને સોંપવાની તપાસ હાથ ધરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *