બળદિયાના દિવ્યાંગ ગોવિંદભાઇ કેરાઇ સરકારની મદદથી ગૃહઉદ્યોગ શરૂ કરી જાતે પગભર થવા સાથે ત્રણ જરૂરિયાતમંદ લોકોને આપી રહ્યા છે રોજગારી

નાનપણમાં પોલિયાના કારણે ૮૦ ટકા વિકલાંગ બની ગયેલા કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના બળદિયાના ગોવિંદભાઇ કેરાઇ આજે પોતાની સુઝબુઝ તથા સરકારશ્રીની મદદના કારણે સફળ ઉદ્યોગકાર બનીને અન્ય જરૂરિયાતમંદોને રોજગારી આપી રહ્યા છે. 

સંતાનમાં બે દીકરીના પિતા ૫૦ વર્ષીય ગોંવિદભાઇએ ઇંગ્લિશ સાથે બી.એનો અભ્યાસ કર્યો છે. નાનપણથી બંને પગ વિકલાંગતાનો ભોગ બનતા તેઓ વ્હીલચેર વગર સ્વતંત્ર ફરી શકે તેમ નથી. આમ છતાં તેઓ હિંમત હાર્યા વગર ખુમારી અને સ્વાભિમાનથી પોતાના પરિવારની જવાબદારી નિભાવી રહ્યા છે. એક કદમ આગળ વધીને ધૈર્ય અને મહેનતના બળે તેઓ અન્ય લોકોને રોજગારી આપીને ચાર પરિવારનું પણ પાલનપોષણ કરવા સક્ષમ બન્યા છે. 

ગોવિંદભાઇ જણાવે છે કે, અગાઉ એસટીડી-પીસીઓ ચલાવતા બાદમાં એક નાની રેસ્ટોરેન્ટ શરૂ કરી હતી પરંતુ મારી વિકલાંગતાના કારણે સંચાલનમાં સમસ્યા આવતી હતી. જેથી વર્ષ ૨૦૧૮માં તે બંધ કરીને અંતે રૂ.૪૦૦૦ની મૂડીથી ખારીસીંગ, દાળીયા હોલસેલ ભાવે મેળવીને ઘેર નાનકડા પેકીંગ બનાવીને દુકાન, કેબીન સુધી પહોંચાડવાનું કામ કરવાનો વિચાર આવ્યો. આ સમયે ૨૦૦૦નો માલ ખરીદ્યો, રૂ. ૧૫૦૦નું મશીન અને રૂ.૫૦૦ની પેકીંગ માટે પ્લાસ્ટીકની ખરીદી કરી નવા વ્યવસાયના શ્રીગણેશ કર્યા હતા. પત્ની ઘેર પેકેજીંગ કરતી હું રીક્ષા ચલાવીને ગામે ગામે દુકાને માલ દેવા ફેરી કરતો હતો. ધીરે ધીરે આવક થવા લાગતા નાના બાળકો માટેની શરબતની ચુસ્કીનું જાતે મેન્યુફેક્ચરીંગ કરવાનું વિચાર્યું. આ માટેની મશીનરી ખરીદવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે સરકારશ્રીની યોજનાનો લાભ મેળવી લોન મેળવી આ કામગીરી પણ શરૂઆત કરી હતી જેમાં સફળતા મળતા હાલ અમે ૩ લોકોને રોજગારી આપવા સક્ષમ બન્યા છીએ.  

તેઓ વધુમાં ઉમેરે છે કે, વર્તમાન સમયમાં બે જરૂરિયાતમંદ મહિલાને માસિક રૂ.૧૦ હજારના પગાર સાથે રોજગારી આપી છે. તેઓ પેકેજીંગ અને મેન્યુફેક્ચરીંગ કામ સાથે જોડાયેલી છે. ઉપરાંત હું વિકલાંગ હોવાથી ટેમ્પોનું ડ્રાઇવીંગ તો કરી શકું છું પરંતુ દુકાન સુધી માલ આપવા જઇ શકતો ન હોવાથી રૂ. ૮ હજારના પગારે એક ડીલીવરી બોયને નોકરી પર રાખ્યો છે. આમ, નાનકડી મૂડી સાથે શરૂ કરેલા વ્યવસાયમાં સરકારશ્રીની મદદ થકી સફળતા મળતા હું આત્મનિર્ભર બની શક્યો છું. હાલ, મારી દીકરીઓને અભ્યાસ કરાવવાની સક્ષમતા સાથે અન્ય ત્રણ પરિવારનો નિભાવ કરવા પણ સક્ષમ બન્યો છે.

પોતાના ઉદ્યોગ વિશે છણાવટ કરતા તેઓ જણાવે છે કે, વિકલાંગતા હોવા છતાં તેમનો જુસ્સો અને કામ કરવાની ધગશના કારણે તેઓ મહિનામાં ૨૭ દિવસ માલની ડિલીવરી માટે જાતે ટેમ્પો લઈને પશ્ચિમ કચ્છમાં ફેરી કરે છે. રોજ ૨૦૦ કિ.મીનું ડ્રાઇવિંગ કરીને સવારથી સાંજ સુધીમાં કુલ ૯૦ નાની મોટી દુકાનમાં માલ પહોંચાડે છે. આમ, તેઓ રોજ રૂ.૨૫ થી ૩૦ હજારનું ટર્નઓવર આરામથી કરી લે છે. આ સાથે નવા કસ્ટમર બનાવવા, કાચો માલ ખરીદી ઘેર પુરો પાડવો વગેરે કામ પણ તેઓ જાતે જ સંભાળે છે. જ્યારે તેમના પત્ની મંજુલાબેન કેરાઇ પેકેજીંગ અને મેન્યુફેકચરીંગની કામગીરી સંભાળે છે.
સરકારશ્રીનો આભાર માનતા ગોવિંદભાઇ જણાવે છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરાયેલી છે, ત્યારે દિવ્યાંગો તેનો લાભ લે અને પોતાના સ્કીલ, અભ્યાસનો ઉપયોગ કરી ખુદ તો સ્વનિર્ભર બને સાથે અન્યો માટે પણ રોજગારીનું સર્જન કરે તે જરૂરી છે.
જિજ્ઞા વરસાણી

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-