શ્યામલ સીટીની ૧૩.૯૨ લાખની તસ્કરીમાં ક્રાઇમ બ્રાંચે 2 ઇસમોને દબોચ્યા : ૧૧ લાખની મત્તા જપ્ત

રાજકોટ : શ્યામલ સિટી સોસાયટી એ-૪૨, ચાલીસ ફુટ રસ્તા પર રહેતાં અને પટેલનગરમાં કારખાનુ ધરાવતાં વિપુલભાઇ કિશોરભાઇ વેકરીયાના ઘરમાં રાત્રિના અરસામાં બે તસ્કર અગાસીના ભાગેથી નીચેના રૂમમાં પહોંચી રૂ.૧૨ લાખ રોકડા તથા દાગીના મળી કુલ રૂ.૧૩,૯૨,૫૦૦ની મત્તા તસ્કરી ગયા હતાં. આ તસ્કરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી શાપર વાછરાદાદાના મંદિર નજીક નાવ પ્લોટમાં અને સર્વોદય સોસાયટીમાં સંજયભાઇ વેગડાની દૂકાન પાસે રહેતાં બે શખ્સો લલીત ઉર્ફ લક્કી હેમતભાઇ ધામેચા (કોળી) તથા જગદીશ દેવાભાઇ માંગરોલીયા (કોળી)ને આજીડેમના બગીચામાંથી પકડી પાડી રૂ.૧૧,૩૦,૫૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે. ડ્રાઇવીંગના કામમાં બે છેડા ભેગા થતાં ન હોઇ મોજશોખ પુરા કરવા પહેલી જ વખત તસ્કરી કર્યાનું બંને કહી રહ્યા હોઇ વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે. મકાન માલિક વિપુલભાઇએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી કે તેમણે ધંધાના કામ માટે જરૂર હોવાથી બીઓબી બેંકની પીપળીયા શાખામાંથી રૂ.૧૨ લાખ ઉપાડ્યા હતાં અને ઘરમાં કબાટમાં રાખ્યા હતાં. રાત્રિના અરસામાં પોતે તથા પરિવારજનો પોતપોતાના રૂમમાં સુતા હતાં. અગાસીનો દરવાજો ખુલ્લો જ હતો. રાત્રિના અરસામાં તેમના પિતા પાણી પીવા ઉઠ્યા ત્યારે એક ઈસમ ભાગતો જોવા મળ્યો હતો. દેકારો થતાં બધા જાગી ગયા હતાં અને ઘરમાં તપાસ કરતાં તસ્કરી થયાની ખબર પડી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ આ તસ્કરીનો ભેદ ઉકેલવા સુચના આપી હોઇ પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ અને ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે જગમાલભાઇ ખટાણા, સંતોષભાઇ મોરી અને મયુરભાઇ પટેલને બાતમી મળી હતી કે બે ઇસમોએ શાપરમાં ફોન વેંચવાનો પ્રયાસ કર્યો છે અને તે હાલ આજીડેમ ખાતે આવ્યા છે. તસ્કરીમાં આ બંને સામેલ હોવાની પાક્કી શંકાને આધારે સકંજામાં લઇ પુછતાછ કરવામાં આવતાં બંનેએ તસ્કરી કબુલી હતી. લલિત અને જગદીશ પાસેથી રૂ.૧,૫૦,૦૦૦ના ચેઇન, રોકડા રૂ.૮,૭૦,૦૦૦, એકટીવા રૂ.૫૦ હજારનું તથા ૬૦,૫૦૦ના છ મોબાઇલ ફોન મળી રૂ.૧૧,૩૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટીમમાં ભરતભાઇ વનાણી, સંજયભાઇ રૂપાપરા, યુવરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા પણ સામેલ હતાં. ઝડપાયેલા બંનેની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *