અરવલ્લી જિલ્લામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હાલમાં જ મેઘરજ પાસેથી ગાંધીનગર વિજિલન્સની ટીમએ બુટલેગરને ત્યાં દરોડા પાડી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો હતો, ત્યારબાદ પોલિસ સતત બાઝ નજર રાખી નાની મોટી દારૂની હેરા-ફેરી કરતા બુટલેગરોને ઝડપી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા મેઘરજ તાલુકાના બેલ્યા ગામ પાસેથી સ્વીફ્ટ કારમાંથી બુટલેગર સાથે ૯૩ હજારનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. રાજસ્થાન રાજ્યને અડીને આવેલા મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. ગાંધીનગર સ્ટેટ વિજિલન્સના દરોડા પછી જીલ્લા પોલીસતંત્ર હરકતમાં આવ્યું હોય તેમ વિવિધ ટીમ બનાવી પેટ્રોલિંગ હાથ ધર્યું છે. અરવલ્લી જીલ્લા એલસીબી પીએસઆઈ કે. એસ. સિસોદિયા તેમજ તેમનો સ્ટાફ મેઘરજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમીને આધારે વોચ ગોઠવી બેલ્યા ગામેથી પસાર થતી સ્વીફ્ટ કાર નંબર જીજે 02 બીપી 1679 ની તપાસ કરતાં તેમાંથી શખ્સ સુનિવકુમાર ઉર્ફે શૈલેષ રામાભાઈ ડામોરની તપાસ કરતા કારની વચ્ચેની શીટ તેમજ ડેકી અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. કારમાંથી વિદેશી દારૂની કુલ 930 બોટલ કબ્જે કરી હતી. જેની કુલ કિંમત 93,000 છે, જ્યારે સ્વીફ્ટ કાર, મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે પોલીસે કુલ રૂ.5,43,500નો મુદ્દામાલ કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.