વડોદરા, શોર્ટકટથી નાણાં કમાવવા માટે ગત સાંજના અરસામાં શહેરના મકરપુર જીઆઈડીસી વિસ્તારમાંથી ગત સાંજના અરસામાં પોતાના બર્થડેના દિવસે કારમાં વિદેશી શરાબની હેરફેર કરી રહેલા યુવકે મકરપુરા પોલીસે પકડી પાડી તેની પાસેથી કાર અને શરાબની બોટલો કબ્જે કરી હતી. શહેરના મકરપુરા જીઆઈડીસી રસ્તા પર આવેલા ભવાનીનગરમાં રહેતો અજય વિનોદભાઈ પરમાર મકરપુરાની કંપનીમાં ફરજ બજાવે છે. શોર્ટકટથી નાણાં કમાઈ લેવાની લાલચ જાગતા તેણે વિદેશી દારૃની હેરફેર અને વેંચાણ કરવાનું શરૂ કર્યું હતું. તેની બર્થડે હોઈ તે નોકરીએ ગયો ન હોંતો અને પોતાની સેન્ટ્રો કારમાં વિદેશી શરાબની બોટલો લઈ આવ્યો હતો. તે કારમાં શરાબની બોટલો લઈને આવતો હોવાની માંજલપુર પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડને જાણ થતાં પો.કો.સિધ્ધરાજસિંહ, હરપાલસિહ સહિતના સ્ટાફે મકરપુરા જીઆઈડીસીરોડ પર વોચ ગોઠવી તેને પકડી પાડયો હતો. કારમાંથી વિદેશી શરાબની ૪૧,૪૦૦ની કિંમતની ૩૬ બોટલો મળતા પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસે તેની પાસેથી શરાબની બોટલો, કાર, મોબાઈલ અને રોકડ સહિત ૧.૪૩ લાખથી વધુની મતા કબ્જે કરી હતી. તેને શરાબની બોટલો આપનાર જીતેન્દ્ર બાળાસાહેબ સાળુંકેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની પણ શોધખોળ હાથ ધરી છે.