ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની સફળતાના પગલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં અમૃત -1 અને અમૃત 2.0 યોજના અમલી બનાવી – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
• સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કુલ રૂ. ૫૭,૭૦૦ કરોડની જોગવાઇ કરીને રાજ્યના શહેરોના વિકાસ અને નવીનીકરણ માટે સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા
• ગત્ વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં આ યોજના માટે ૫૦ ટકાના વધારા સાથે કુલ રૂ.૧૨,૮૪૬ કરોડની જોગવાઇ કરાઇ
• અમૃત-1 યોજના અંતર્ગત અત્યારસુધીમાં રાજ્યના શહેરોમાં કુલ ૪૫૧ જેટલા કામો અંદાજીત રૂ. ૫૧૬૫ કરોડના ખર્ચે પૂર્ણ થયા
• વર્ષ ૨૦૨૧ થી અમલી અમૃત 2.0 યોજના હેઠળ રાજ્યમાં કુલ રૂ. ૧૭,૭૧૭ કરોડના ૯૨૨ કામ હાથ ધરાયા
…………………………….
અંજાર શહેરમાં અમૃત ૨.૦ મિશન અંતર્ગત કુલ રૂ. ૩૮.૫૨ કામ હાથ ધરાયા
વિધાનસભામાં અમૃત 2.0 મિશન હેઠળ રાજ્યમાં કરાયેલ કામો સંદર્ભેના પ્રશ્નના ઉત્તરમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમૃત ૨.૦ મિશન હેઠળ રાજ્યના શહેરો દ્વારા કુલ રૂ. ૧૭,૭૧૭ કરોડની રકમના કુલ ૯૨૨ કામો હાથ ધરવામાં આવ્યા છે.
જેના અંતર્ગત અંજાર શહેરમાં અમૃત ૨.૦ મિશન અંતર્ગત કુલ રૂ. ૩૮.૫૨ કરોડની રકમના ૫ કામો હાથ ધરાયા છે. જેમાં પાણી પુરવઠા, તળાવ નવીનીકરણ અને બાગબગીચા સહિતના કામોનો સમાવેશ થાય છે.
જે પૈકી રૂ. ૨૫.૯૫ કરોડની રકમનું ૦૧ કામ પ્રગતિ હેઠળ , રૂ. ૭.૦૯ કરોડની રકમના ૦૩ કામો ટેન્ડર પ્રક્રિયાના તબક્કે છે. તદ્ઉપરાંત રૂ. ૫.૪૮ કરોડની રકમનું ૦૧ કામ ડીપીઆર પ્રકિયા હેઠળ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
મંત્રીશ્રીએ વધું વિગતો આપતા જણાવ્યું હતું કે, અમૃત ૨.૦ મિશન અંતર્ગત કચ્છ જીલ્લાના અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા બારોઇ અને રાપર એમ કુલ ૦૭ શહેરોનો સમાવેશ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૯માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગુજરાતમાં અમલમાં મુકાઇ હતી.
જેના અંતર્ગત પ્રથમ તબક્કો વર્ષ ૨૦૦૯ થી વર્ષ ૨૦૧૨ માટે રૂ.૭૦૦૦/- કરોડ ની જોગવાઇ , બીજા તબક્કામાં વર્ષ ૨૦૧૨ થી વર્ષ ૨૦૧૭ માટે રૂ.૧૫૦૦૦/- કરોડની જોગવાઇ અને ત્યારબાદ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ થી વર્ષ ૨૦૨૩-૨૦૨૪ સુધી કુલ રૂ.૩૫,૭૦૦ કરોડની જોગવાઇ કરાઇ હતી.
આમ કુલ રૂ. ૫૭,૭૦૦ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરીને રાજ્યના શહેરોના વિકાસ અને નવીનીકરણ માટે સરકારે પ્રયાસો કર્યા છે
વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે કુલ રૂ. ૮૬૩૩ કરોડની જોગવાઇ કરાઇ હતી જેની સામે વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ રૂ.૧૨૮૪૬ કરોડની જોગવાઇ કરી ચાલુ વર્ષે રૂ.૪૨૧૩ કરોડનો વધારો કરાયો છે. જે ગત વર્ષની સરખામણીમાં અંદાજીત ૫૦ ટકા જેટલો વધારો છે.
આ યોજના હેઠળ ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામો , સામાજિક આંતરમાળખાકીય સુવિધાના કામો , અર્બન મોબિલીટી શહેરી પરિવહનના કામો, શહેરની આગવી ઓળખ ઉભી થાય તેવા કામો હાથ ધરવામાં આવે છે.
ગુજરાતમાં આ યોજનાની સફળતાના પગલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૧૫ માં સમગ્ર દેશમાં અમૃત 1 યોજના લાગુ કરી હતી.
અમૃત મિશન હેઠળ ગુજરાતના ૩૧ શહેરો, જેમા ૦૮ મહાનગરપાલિકા, ૨૨ ‘અ’ વર્ગની નગરપાલિકા અને ૦૧ ‘ક’ વર્ગની નગરપપાલિકા (HRIDAY) નો સમાવેશ કરવામા આવ્યો હતો.
જેના અંતર્ગત અત્યારસુધીમાં કુલ-૪૫૧ જેટલા કામો અંદાજીત રૂ. ૫૧૬૫ કરોડના ખર્ચે પૂર્ણ થયા છે.
અમૃત 1 યોજનાની સફળતાને પગલે સમગ્ર દેશમાં વર્ષ ૨૦૨૧ થી અમૃત 2.0 યોજના અમલી બનાવવામાં આવી છે.
જેના અંતર્ગત રાજ્યનાં ૩૧ અમૃત શહેરોમાં (તમામ મહાનગરપાલિકા + ૨૨ ‘અ’ વર્ગની નગરપાલિકા + દ્વારકા – HRIDAY City)માં અગાઉના કામો ઉપરાંત ભૂગર્ભ ગટર યોજનાના કામોનો સમાવેશ કરાયો છે.
અમૃત ૨.૦ મિશન અંતર્ગત આવરી લેવાયેલ કામોમાં કેન્દ્ર સરકાર નો ફાળો રૂ. ૪,૫૧૨ કરોડ અને રાજ્ય સરકારનો રૂ. ૫,૫૪૩ કરોડનો ફાળો તેમજ રૂ. ૭,૬૬૨ કરોડ ULB નો ફાળો છે.
અમૃત ૨.૦ મિશનમાં રાજ્યના શહેરો દ્વારા કુલ રૂ. ૧૭,૭૧૭ કરોડના ૯૨૨ કામો ૦૩ (ત્રણ) સ્ટેટ વોટર એક્શન પ્લાન હેઠળ મંજુર કરાવામાં આવ્યા છે.