સમાન નાગરિક સંહિતા અંગે યુ.સી.સી. સમિતિ દ્વારા ભુજમાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા સંદર્ભે યુ.સી.સી.ની સમિતિના સભ્ય શ્રી સી.એલ.મીનાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા કલેક્ટર કચેરી ભુજ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમિતિ દ્વારા સમાજના વિવિધ સમુદાય, વર્ગો ,સામાજિક-ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સમાન નાગરિક સંહિતા (UCC)ના અમલીકરણમાં ક્યા મુદ્દાઓને સામેલ કરવા જોઈએ એ સંદર્ભમાં મૌખિક તથા લેખિત પ્રતિભાવો-સૂચનો મેળવવામાં આવ્યા હતા.
સમાન નાગરિક સંહિતા મામલે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય શ્રી સી.એલ.મીનાએ બેઠકમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ (નિવૃત્ત) શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુ.સી.સી. અંગે રજૂઆતો સાંભળીને અભિપ્રાયો મેળવી રહ્યા છે.
શ્રી મીનાએ ઉપસ્થિત સૌને યુ.સી.સી. વિશે વિગતવાર સમજણ આપી હતી તેમજ તેના વિશે પ્રવર્તતી ગેરસમજ અંગે વિસ્તૃત વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ કે સમાજના વિશેષ વર્ગને ટાર્ગેટ કરતી નથી. ઉપરાંત તે કોઈ ધર્મ કે સંપ્રદાયના રીતિ-રિવાજને પણ સ્પર્શતી નથી. આ સમિતિએ ઉપસ્થિત પ્રબુદ્ધ લોકોને સમાન નાગરિક સંહિતાના કારણે ધર્મની સ્વતંત્રતા, લગ્ન પદ્ધતિઓ અંગેની વિવિધ ઉદ્ભવેલી ભ્રાંતિઓથી આશ્વસ્ત કર્યા હતાં.
શ્રી મીનાએ વધુમાં જણાવ્યું હતું કે, યુ.સી.સી. ભારતીય સંસ્કૃતિ અને તમામ ધર્મોને આદર આપે છે. વિવિધ ધર્મ-સંપ્રદાયમાં જોવા મળતા રીતિ-રિવાજોને પણ યુ.સી.સી. આદર આપે છે.
આ તકે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્યો સર્વશ્રી કેશુભાઇ પટેલ, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઇ છાંગા, શ્રી અનિરુધ્ધભાઇ દવે, ભુજ નગર પાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી તેમજ અન્ય રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓએ અને પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાંકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર સમાન સિવિલ કોડ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો ૧૫-૦૪-૨૦૨૫ સુધી રજૂ કરી શકશે.
આ બેઠકમાં જિલ્લા ક્લેક્ટર શ્રી આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ એસ.પી શ્રી વિકાસ સૂંડા, પૂર્વ કચ્છ એસ.પી શ્રી સાગર બાગમાર, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મિતેશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટરશ્રી દિપેશ ચૌહાણ, ડીઆરડીએના ડાયરેક્ટરશ્રી નિકુંજ પરીખ તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, વકીલ મંડળના પ્રમુખો, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, કોલેજના આચાર્યશ્રીઓ, ધાર્મિક સંસ્થાનોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી સમાન સિવિલ કોડ અંગે પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા હતાં.
જિજ્ઞા વરસાણી