કચ્છના દિવ્યાંગજનોને બંને યોજનાઓનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા અનુરોધ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દિવ્યાંગોનાં કલ્યાણ અર્થે નવી બાબતમાં દિવ્યાંગજનોનાં હિતાર્થે બે મહત્વનાં ફેરફાર કરવામાં આવ્યા છે. સંત સૂરદાસ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં વર્તમાન સમયમાં ૮૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને સંત સૂરદાસ યોજના હેઠળ દર માસે ૧૦૦૦/- માસિક સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવતી હતી. આ યોજનામાં તા. ૨૯/૦૩/૨૦૨૫ નાં સરકારશ્રીનાં ઠરાવથી ૦૧/૦૪/૨૦૨૫ થી ૮૦% ને બદલે ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ સંત સૂરદાસ યોજનાનો લાભ મળશે તેવો મહત્વનો નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યો છે.
જેથી હવે કચ્છ જિલ્લાનાં ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો સંત સૂરદાસ યોજનાનો લાભ મેળવવા માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી તથા ઓફલાઈન અરજી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે મોકલી શકશે. દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં લગ્ન થયા હોય તેવા દિવ્યાંગ વ્યક્તિને ૫૦૦૦૦/- સહાય આપવામાં આવતી હતી. તેમાં રૂ. ૨૫૦૦૦/નો વધારો કરી સહાયની રકમ ૭૫૦૦૦/- નક્કી કરવામાં આવી છે. જેથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન થયાના ૨ વર્ષનાં સમયગાળામાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી આ યોજનાનો લાભ મેળવી શકશે. ઉપરોક્ત બંને યોજનાઓને તા. ૦૧/૦૪/૨૦૨૫ થી સરકારશ્રીનાં ઠરાવ મુજબની જોગવાઈઓને આધિન અમલમાં મુકવામાં આવી છે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.