સામખીયાળી ઔદ્યોગિક એકમમાંથી તસ્કરો 13 લાખની કીમતનો કેબલ સરકવી ગયા
copy image

મોરબી -સામખિયાળી ધોરીમાર્ગ ઉપર ઔદ્યોગિક એકમના સ્ટોરરૂમમાંથી તસ્કરો રૂા. 13,04,250 ની કિંમતના વાયર ચોરી ગયા હોવાનુ સપાટી ઉપર આવ્યુ હતું. મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના પીપરાપાટી વિસ્તારમાં કે.ઈ.સી ઈન્ટરનેશનલ લીમીટેડ કંપનીના સ્ટોર યાર્ડમાં ગત તા.20/3 ના સાંજે 6 વાગ્યા થી તા.13/08 સવારે 9 વાગ્યા સુધીના સમયાંતરમાં બનાવ બન્યો હતો. આ અંગે એકમના સ્ટોર ઈન્ચાર્જએ અજાણ્યા આરોપી વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. પોલીસ સતાવાર સાધનો પાસેથી મળતી માહિતી આપતા કહ્યું હતુ કે ફરીયાદી ની કંપની ને ખાવડા થી નાગપુર મહારાષ્ટ્ર સુધી 800 કે.વી ની હાઈટેન્શન વીજલાઈન નાખવાનુ કામ મળ્યુ છે. આ કામ વર્ષ 2025 માર્ચ-એપ્રિલ થી ચાલુ છે. વીજલાઈનના કામ માટે વીજ લાઈન વાયર,વીજપોલ સહિતની અન્ય સામગ્રી આ સ્ટોરયાર્ડમાં રાખવામાં આવતી હતી. તસ્કરો એકમના પરીસરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને ખુલ્લા પ્લોટમાંથી એલ્યુમિનિયમ ધાતુના એ.સી.એસ.આર. લેપવીંગ કન્ડકટર વાયરોના ત્રણ ડ્રમમાંથી કુલ 1850 મીટર વાયર ચોરી કરી ગયા હતા. કેબલ ચોરીના મામલા સામેલ આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ આરંભી છે.