ભુજ શહેરનાં પ્રવેશદ્વાર ગણાતાં જયનગરમાં વિવિધલક્ષી પ્રકલ્પ સાથે વોકવેનું કાર્ય પ્રગતિના પંથે


ભુજ. શહેરનાં પ્રવેશદ્વાર ગણાતાં જયનગર સ્થિત મંગળમૂર્તિ હનુમાનજી મંદિર પાસે લાખોના ખર્ચે વિવિધ પ્રકલ્પો સાકાર થઇ રહ્યા છે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલએ વનખાતાં મારફતે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. આઠ લાખની ગ્રાન્ટ ફાળવવા સાથે દાતાઓના આર્થિક સહયોગથી કાર્ય આગળ ધપી રહ્યું છે. પશ્ચિમ વનવિભાગના નાયબ વન સંરક્ષક. યુવરાજસિંહ ઝાલા, રેંજ ફોરેસ્ટ ઓફિસર હિતેન્દ્રસિંહ ચુડાસમાનો સહયોગ મળ્યો છે. પચાસ હજાર લીટરનો પાણીનો ટાંકો અને ફરતી બાઉન્ડ્રીનું કામ પૂર્ણ થઇ ગયા બાદ, પક્ષીઓને ખોરાક મળે અને શીળી છાયા આપે એવાં પાંચસો જેટલાં ફળાઉ વૃક્ષો વૃદ્ધિ પામી રહ્યાં હોઈ, વનખાતાં સાથે જયનગર મહાવીરનગર સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ ભાણજીભા કે. જાડેજા, લધારામ શિવદાસભાઈ વાસાણી, મહેશભાઈ લીંબાણીની સમર્પિત ટીમની જહેમત રંગ લાવી રહી છે. એમનાં માર્ગદર્શન હેઠળ, સિનીયર સિટીઝન ક્લબના વરિષ્ઠોએ વિશિષ્ઠ એવી ‘સિનીયર સિટીઝન વન સમિતિ’ની રચના કરી છે જેમાં હેતુભા એન. જાડેજા, સુરૂભા પી. જાડેજા, જગદીશચંદ્ર છાયા, કનૈયાલાલ અબોટી, નરેન્દ્રભાઈ વ્યાસ વ. સહયોગ આપી રહ્યા છે.
તળાવડી ઊંડી કરવામાં આવી છે. વૃક્ષઆચ્છાદિત વોક વે નાં પ્રારંભિક કાર્ય રૂપે કાચો વોકવે બનાવવામાં આવ્યો છે હવે પૂર્વ આયોજન મુજબ ભુજ નગરપાલિકા એ કાર્ય સત્વરે પૂર્ણ કરે એવી લોક લાગણી છે.
આ વિવિધલક્ષી પ્રોજેક્ટ આ માટે દાતાઓનો સુંદર સહયોગ મળી રહ્યો છે. સહજાનંદ ગૌ સહાય ટ્રસ્ટ (બળદીયા) દ્વારા બાળકો માટે રમત ગમતનાં સાધનોની સુવિધા આપવામાં આવશે. વૃક્ષોના ઉછેર માટે ટપક પદ્ધતિથી પાણી આપવા માટે તરા મંજલના સુરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, ભુજની ‘માનવ જ્યોત’ના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર તરફથી એક સો ચકલીઘર અને પાણીનાં કુંડાંનો સહયોગ મળ્યો છે.
‘મિશન ગ્રીન ભુજ’ અંતર્ગત શહેરને હરિયાળું બનાવવાની નેમ સાથે કાર્ય આગળ ધપી રહ્યું છે. ભુજનું ‘તોરણ’ જયનગર મહાવીર નગર વાલદાસનગર નાકાં નજીક સાકાર થતો આ પ્રકલ્પ પૂર્ણ થતાં આ વિસ્તારને એક નવલું આકર્ષક નઝરાણું પ્રાપ્ત થશે.