અંજારના મેઘપર બો.ના વેપારી સાથે થઈ રૂા.24,76,000ની ઓનલાઈન છેતરપિંડી
copy image

અંજારના મેઘપર બોરીચીની સોસાયટીમાં રહેનાર એક વેપારી સાથે રૂા. 24,76,000 ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મેઘપર બો.ના ભાગીરથ નગરમાં રહેનાર ફરિયાદી એવા કમલેશ જગદીશ તિવારી નવકાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-3માં તિવારી ઇમ્પેક્સ ટિમ્બર નામની લાકડાંની પેઢી ચલાવે છે. જેનું બેંક ખાતું વેલસ્પન નજીક આવેલ ICICI બેંકમાં કાર્યરત છે. તા. 8/4ના ફરિયાદી અને તેમના પુત્ર ગત પડાણા ખાતે આવેલા બેન્સામાં ગયે હતા તે સમયે ફરિયાદીને તેમની પેઢીના બેંક ખાતાંમાંથી રૂા. 4,90,000 કપાઇ ગયાનો મેસેજ આવતાં તેમણે તરત બેંકના મેનેજરનો સંપર્ક કર્યો હતો અને પોતે કોઇને ચેક કે ATM ન આપેલ હોવા છતાં ખાતાંમાંથી પૈસા કેમ કપાઇ ગયા છે ? એમ કહી ખાતું બ્લોક કરી દેવાની વાત કરી હતી. તેવામાં જ અન્ય ચાર મેસેજ આવેલ જેમાં રૂા. 4,98,000, 4,97,000, 4,96,000, 4,95,000 કપાઇ ગયા હતા. ફરિયાદીએ તરત જ પોતાનો ફોન સ્વીચઓફ કરી બીજા નંબરથી બેંક મેનેજરનો સંપર્ક કરી અને ખાતું બ્લોક કરાવી નાખ્યું હતું. આ બનાવ અંગે ઓનલાઇન ફરિયાદ કરવા સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી.