જગન્નાથ મંદિરમાં 140 વર્ષ જૂના ત્રણ રથ પ્રસાદ સ્વરૂપે પરિસરમાં મુકાશે : મહંત દિલીપ દાસજી

દરવર્ષે અખાત્રીજના દિવસે જગન્નાથ મંદિરની ચંદનયાત્રા નીકળે છે. આ વર્ષે ચંદનયાત્રામાં કુલ 6 રથનું પૂજન કરવામાં આવશે. મંદિરના મહંત દિલીપ દાસજીના જણાવ્યા અનુસાર નવા રથોને 2 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ આ વર્ષે નવા રથોની સાથે જુના રથોનું પણ પૂજન કરવામાં આવશે. થોડા દિવસ અગાઉ મંદિરમાં ટ્રસ્ટીઓ, મહંત તેમજ પૂજારીની ચંદનયાત્રા અંગેની બેઠક યોજાઈ હતી. જગન્નાથ મંદિરમા ચંદનયાત્રા અંગે વૈદિક મંત્રોચ્ચાર મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ બહેન સુભદ્રાના રથનું પૂજન કરવામાં આવશે. રથના પૂજન બાદ રથોનું સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. જગન્નાથ પુરીમાં રથયાત્રા પૂર્વે ચંદન યાત્રા કાઢવામાં આવે છે, તેવી રીતે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ રથયાત્રા પહેલા ચંદનયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

જૂના રથો વલસાડના કારીગરોએ તૈયાર કર્યા હતા.

મંદિરના મહંત દિલીપ દાસજીના જણાવ્યા અનુસાર જૂના રથો ઐતિહાસિક રથો છે, તે અંદાજે 140 વર્ષ જૂના છે. જૂના રથની હાલત જર્જરિત કારણે નવા રથ બનાવ્યા. નવા રથ વલસાડ અને ધરમપુરના કારીગરો તૈયાર કર્યો છે. જૂના રથો પણ વલસાડના કારીગરોએ તૈયાર કર્યા હતા. તેમને વધુમાં જણાવ્યા હતું કે ટૂંક સમયમાં મંદિર પરિસરમાં જૂના રથને પ્રસાદ રૂપે મુકવામાં આવશે, સાથે સાથે તેમના માટે એક મ્યુઝીયમ તૈયાર કરવામાં આવશે. આ યાત્રામાં દર વર્ષેની જેમ આ વર્ષે રિવરફ્રન્ટ ખાતે જળ લાવીને જૂના રથોનું પણ પૂજન કરવામાં આવશે.

રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ