આઈ-ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓની સહાય માટે ખેડૂતોએ ૧૫ મે સુધી અરજી કરવાની રહેશે
વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો ખેડૂતો લાભ લઈ શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા. ૧૫/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લું મૂકવામાં આવેલું છે. આઈ ખેડૂત પોર્ટલની નવીન સંસ્કરણની વેબસાઈટમાં હવે ખેડૂતોએ પહેલા નોંધણી(રજિસ્ટ્રેશન) કરાવવાનું રહેશે જે બાદ જ કોઈપણ યોજનાકીય સહાય માટે અરજી કરી શકાશે. પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકાકક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણેની જગ્યાએ હવે આવેલી અરજીઓમાંથી ઓનલાઈન સિસ્ટમ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવશે.આ પ્રક્રિયા બાદ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજૂરી આપવામાં આવશે. આઈ-ખેડૂત પોર્ટલ ૨૨ દિવસ સુધી ખુલ્લું રહેશે જેથી આ સમયમાં અનુકૂળતા મુજબ ખેડૂતોએ પોર્ટલ ઉપર નોંધણી કરાવીને સંબંધિત યોજનાકીય લાભ લેવા માટે અરજી કરવા કચ્છના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા દ્વારા જણાવાયું છે.