ભાડૂઆતની માહિતી પોલીસ સ્‍ટેશનને પહોંચાડવી જરૂરી

copy image

copy image

        ગુપ્તચર સંસ્થાના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી/અસામાજીક તત્વો કચ્છ જિલ્લાના વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમ છે. કરે તેમજ માનવ જીદગીની ખુવારી થાય અને લોકોની સંપત્તિને નુકશાન પહોંચાડવાની કોશિશ કરે તેમ છે.

બહારના રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા તત્વો કોઈ મકાન ભાડે રાખીને રહેતા હોય છે. અને જગ્યા વગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતીગાર થઈને તેઓની ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. ભુકંપ બાદ કચ્છ જિલ્લામાં રાજ્ય સરકારશ્રીની નીતિ અનુસાર મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયેલા છે જેના પરિણામે બહારથી મોટા પ્રમાણમાં લોકો વસવાટ કરવા આવતા હોય છે. લોકોના જાન, સ્વાસ્થ્ય અને સલામતીને થતુ જોખમ તથા જાહેર સુલેહશાંતી જાળવવા માટે ભાડેથી અપાતા મકાનો માટે મકાન માલીકો ઉપર નિયંત્રણો મુકવા નીચે મુજબની વ્યવસ્થા કરવી જરૂરી જણાય છે.

જેથી કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી આનંદ પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ફરમાવેલ છે કે, કચ્છ જીલ્લાની હદમાં આવેલ તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સંબંધીત પોલિસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સંબંધીત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની નીચે જણાવેલ જરૂરી માહિતી નીચેની કોલમો મુજબ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.

મકાન માલીકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્તારમાં કેટલા ચો.મી.બાંધકામ, (૨) મકાન ભાડે આપવા સત્તા ધરાવતી વ્યક્તિનું નામ, સરનામું, સંપર્ક નંબર સહિત (૩) મકાન કયારે ભાડે આપેલ છે તથા માસીક ભાડું કેટલું, (૪) કઇ વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ સરનામા સહિત સંપર્કની વિગત (૫) મકાન માલીક અને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ જણાવવાનું રહેશે.

          ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે તપાસના અંતે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના, જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસના અંતે ફરિયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ, તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.

          આ જાહેરનામું તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

અંજના ભટ્ટી