નિરોણા પ્રાથમિક કન્યા, કુમાર અને હાઇસ્કૂલના ૨૬ SPC કેડેટ્સ જિલ્લા કક્ષાની શિબિરમાં ઉત્સાહપૂર્વક જોડાયા

તા. ૨૭મી એપ્રિલ થી ૩જી મે, ૨૦૨૫ દરમ્યાન ભુજની મહિલા કોલેજ ખાતે જિલ્લા કક્ષાની ૭ દિવસીય સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) શિબિર યોજાયેલ હતી. શિબિરનુ ઉદ્દઘાટન જિલ્લા પોલીસ વડા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, કોલેજના ટ્રસ્ટીશ્રી તેમજ અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં કરાયેલ હતુ.

આ શિબિરમાં નિરોણાની પ્રાથમિક કુમાર તથા કન્યા અને એસ.એસ.પી.એ. હાઇસ્કૂલના કુલ ૨૬ SPC કેડેટ્સ, જેમા ૧૮ કુમાર અને ૮ કન્યાઓએ ભાગ લીધેલ હતો. સમગ્ર શિબિર દરમિયાન વિવિધ શૈક્ષણિક અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓમાં રમત-ગમત, પરેડ, આરોગ્ય માર્ગદર્શન, CPR તાલીમ, ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની તાલીમ, જાદુનો શો અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલની મુલાકાત જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી શ્રી પ્રદિપ્તાનંદ સરસ્વતીજી નુ પ્રેરક પ્રવચન પણ ગોઠવવામાં આવેલ હતુ. આ શિબિર નિરોણા ગામના SPC કેડેટ્સ માટે વ્યક્તિત્વ વિકાસ, ટીમ વર્ક, નેતૃત્વ, સામાજિક જવાબદારી અને શિસ્તના મૂલ્યો શીખવા માટે ઉત્તમ તક રૂપ સાબિત થયેલ હતી.

નિરોણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ શ્રી પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ડ્રિલ ઈન્સ્ટ્રક્ટર આશાબેન બારિયા અને નિકુલસિંહ રાજપુતે સમગ્ર શિબિરની વ્યવસ્થા સંભાળેલ હતી. આ તકે શિબિર ને સફળ બનાવવા માટે એસ.એસ.પી.એ હાઇસ્કૂલના કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તથા પ્રાથમિક વિભાગના CPO જ્યોત્સનાબેન વઢવાણા દ્વારા નિરોણા પોલીસ સ્ટેશન સાથે યોગ્ય સંકલન કરી સંપૂર્ણ સાથ સહકાર આપવામાં આવેલ હતો.